(એજન્સી) તા.ર૦
લગભગ ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી લંડનમાં છુપાયેલો હોવાના એહવાલો છે. સીબીઆઈએ કહ્યું હતું કે, બ્રિટનની સરકારે આ અહેવાલની પુષ્ટિ કરી છે અને યોગ્ય માધ્યમ દ્વારા બ્રિટિશ સરકાર સામે તેના પ્રત્યાર્પણની અરજી કરવામાં આવી છે. સોમવારે એક ન્યૂઝ એજન્સીએ તેના ટિ્‌વટર હેન્ડલ પરથી જાણકારી આપી હતી કે, યુ.કે.ના સત્તાવાળાઓએ આ વાતની પુષ્ટિ કરી છે કે, નીરવ મોદી યુકેમાં છે અને સીબીઆઈએ યોગ્ય માધ્યમો દ્વારા તેના પ્રત્યાર્પણની અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી પંજાબ નેશનલ બેંક કૌભાંડનો મુખ્ય આરોપી છે. આ ઉપરાંત તેનો મામા મેહુલ ચોકસી પણ સહઆરોપી છે. જ્યારે ફેબ્રુઆરીના માધ્યમમાં આ કૌભાંડનો ખુલાસો થયો તેની પહેલાં આ બન્ને દેશ છોડીને ભાગી ગયા હતા. હાલમાં મળેલા અહેવાલો પ્રમાણે ચોકસી એન્ટિગુઆમાં છે જ્યારે નીરવ મોદી લંડનમાં છૂપાયેલો છે.