(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
રાજ્યસભામાં પોક્સો સંશોધન ખરડો પસાર કરી દેવામાં આવ્યો હતો જેમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને પરિભાષિત કરતા બાળકો વિરૂદ્ધ અપરાધના કેસોમાં મૃત્યુદંડ સુધીની જોગવાઇ પણ કરવામાં આવી છે. રાજ્યસભામાં જાતિય અપરાધોથી બાળકોના સંરક્ષણ ખરડા પર ચર્ચા થઇ હતી જેનો જવાબ આપતા મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે, બાળકો વિરૂદ્ધ જાતિય અપરાધ અને બળાત્કારના કેસોમાં તાત્કાલિક સુનાવણી માટે કેન્દ્ર સરકારે ૧૦૨૩ વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલતો રચવાની મંજૂરી આપી દીધી છે. તેમણે ઉમેર્યું કે, અત્યારસુધી આઠ રાજ્યોએ આવી અદાલતોની સ્થાપના માટે સહમતી દર્શાવી છે. મહિલા તથા બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીના જવાબ બાદ ઉચ્ચ સદને ખરડાને ધ્વનિ મતથી પસાર કરી દીધો હતો.
આ પહેલા સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, સરકાર પોતાની વિવિધ એજન્સીઓના માધ્યમથી એ વાતને પ્રોત્સાહન આપી રહી છે કે, બાળકો પોતાની વિરૂદ્ધ થતા જાતિય અપરાધો વિશે નિડર થઇને ફરિયાદ કરી શકે અને પોતાના વાલીઓને જણાવી શકે. તેમણે કહ્યું કે, પહેલા જોવામાં આવ્યું છે કે, બાળકો વિરૂદ્ધ થતા જાતિય અપરાધોની ફરિયાદ તો થાય છે પણ છોકરાઓ વિરૂદ્ધ જાતિય અપરાધો વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતી નથી. તેમણે આ ખરડા પર થયેલીચર્ચા દરમિયાન તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓબ્રાયન દ્વારા તેમની સાથે ૧૨ વર્ષની ઉંમરમાં થયેલા જાતિય અપરાધની ઘટનાનો ઉલ્લેખ કરવાનું ઉદાહરણ આપી કહ્યું કે, આ વાતને તેમણે હવે ૫૮ વર્ષની ઉંમરમાં જાહેર કરી છે. સમાજમાં હવે પુરૂષોએ પણ આ પ્રકારની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં સંકોચ અનુભવવો જોઇએ નહીં.