(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા. ર
માંગરોળ ખાતે ઘણી આતુરતા બાદ છેલ્લા બે દિવસથી વરસાદ ના નાના મોટા ઝાપટાઓ શરૂ થયા છે. ત્યારે પ્રથમ વરસાદ ની ઝલકી રૂપે પડે રહેલા સામાન્ય ઝાપટાઓ એ માગરોળ પાલીકા તંત્ર ની સફાઈ કામગીરી ની પોલ ખોલી નાખી છે. પાલિકા તંત્ર ની સફાઈ બાબતે નિરસ કામગીરી થી ઠેર ઠેર કચરા ના ગંજ ખડકાઈ ગયા છે ત્યારે તેની માથે સામાન્ય વરસાદ પડતાં આ કચરાના ઢગલાઓ અને બિસ્માર બનેલા રસ્તાના ખાડાઓ એ કાદવ કીચડ નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. શહેરના રસ્તાઓ પર હાલ કાદવ-કીચડમાથી રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી રહ્યા છે ત્યારે સફાઈ પ્રત્યે પાલિકા તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
શહેરના ગાંધીચોક, ગુલઝાર ચોક, બંદર ઝાપા, લુહારવાડા, મકતુપુર ઝાપા, મીઠી વાવ, નાગદા, દેળવાવ, પીરમુસા, શાક માર્કેટ, ખાટકી વાડા વગેરે વિસ્તારોમાં કીચડને કારણે રસ્તાઓ લપસણીમાં ફેરવાઈ ગયા છે તો ઘણી જગ્યાએ કાદવ કીચડ માથી બદબુ ફેલાતા રાહદારીઓ ઉબકે ચડી જાય છે. છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવી નથી.
શહેરમાં ઠેર ઠેર ગંદકીના કારણે ગંભીર બીમારી ફાટી નિકાળવાની દહેશત ઊભી થઈ છે ત્યારે પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે શહેરની સફાઈ કરે તેવી લોકમાંગ ઉઠી છે.