(એજન્સી) જયપુર, તા. ૨૪
અલવરમાં ગૌરક્ષકો દ્વારા હત્યા કરાયેલા અકબરના મિત્ર અસલમખાને પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે, જે લોકોએ તેમના પર હુમલો કર્યો હતો તેઓ દાવો કરી રહ્યા હતા કે, તેઓ સ્થાનિક ધારાસભ્યના માણસો છે અને તેમનું કોઇ કાંઇ બગાડી શકશે નહીં. તપાસને જયપુર રેન્જમાં ટ્રાન્સફર કરાતા અસલમે ત્યાં પોલીસને નિવેદન આપ્યું હતું. પોલીસે એમ પણ કહ્યું હતું કે, અસલમે હુમલાખોરો એકબીજાના નામ બોલી રહ્યા હતા તે સાંભળ્યા હતા જેમાં ધર્મેન્દ્ર, પરમજીત, નરેશ, સુરેશ અને વિજયનો સમાવેશ થાય છે. ગયા શુક્રવારે અકબર અને અસલમને દૂધાળી ગાયો લઇ જતા અટકાવી અલવરના રામગઢ ગામમાં માર મરાયો હતો જેમાં અકબરનું મોત થયું હતું. અસલમે કહ્યું કે, એક સ્થાનિકે ફાયરિંગ કરતા અમાને કાંઇ સંભળાતું નહોતું તેથી અમે તરત દોડવા લાગ્યા, અકબર ત્યાં પડી ગયો અને હું દોડવા લાગ્યો ત્યારે એક વ્યક્તિએ મારો પીછો કર્યો પણ અંધારામાં હું ઝાડીઓ પાછળ છૂપાઇ ગયો હતો. ત્યારબાદ અકબર સાથે શું થયું તે હું જાણતો નથી. અસલમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સ્થાનિક ધારાસભ્ય ગ્યાનદેવનું નામ સામે આવતા રાજસ્થાન સરકાર અને પોલીસની આકરી ટીકા થઇ રહી છે. ધારાસભ્યના નામને કારણે ન્યાયિક તપાસની માગ પણ ઉઠવા પામી છે. આ અંગે ધારાસભ્ય આહુજાને પુછાતા તેમણે કહ્યું કે, આવી વાત કોઇ વ્યક્તિ કરી શકે છે ? ભ્રષ્ટાચારી અધિકારીઓ અનિલ બેનિવાલ અને અલવરના પૂર્વ એસપી રાહુલપ્રકાશ તેમની નિષ્ફળતા છૂપાવવા અસલમને ગેરમાર્ગે લઇ જઇ રહ્યા છે. પોલીસે તેને માર્યો, જો તે સામાન્ય ઇજા પામ્યો હતો તો તેને તાત્કાલિક હોસ્પીટલ કેમ ન લઇ જવાયો ? તેઓ ચાર વાગ્યા સુધી તેની સાથે શું કરતા હતા ? હું રાહુલપ્રકાશ વિરૂદ્ધ પગલાં લઇશ. આહુજાએ વધુમાં કહ્યું કે, હું છેલ્લા ૨૫ વર્ષથી ચૂંટણી લડી રહ્યો છું અને આવું ક્યારેય બન્યું નથી. હું તેઓને કહું છું કે, કોઇને મારો નહીં પણ પોલીસને સોંપી દો. તેથી તેઓ ૩-૪ થપ્પડ માર્યા બાદ તસ્કરોને પોલીસને સોંપી દે છે. મેં પોતે પણ હજારો ગાયો, ભેંસો અને બળદ બચાવ્યા છે. અકબરના ભાઇ શમીમે પણ કહ્યું છે કે, તેને ઢોર માર માર્યા બાદ ગૌરક્ષકોએ પોલીસને ફોન કર્યો હતો. ગૌરક્ષકોના આ તમામ દાવા પોતાનો કેસ નબળો પાડવા માટે છે.