(એજન્સી) બુલંદશહર, તા.૭
ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં સર્જાયેલી હિંસાની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું કે બુલંદશહરમાં ગૌહત્યા કોણે કરી ? સર્વપ્રથમ તેના પર ફોકસ કરવાનું અને ત્યાર પછી પોલીસ ઇન્સપેક્ટર સુબોધકુમારસિંહની હત્યાના મામલાની તપાસ કરવાનું પોલીસે નક્કી કર્યું છે. બુલંદશહરના એએસપી રઇસ અખ્તરે જણાવ્યું કે હાલમાં અમારી મુખ્ય ચિંતા એ ગાયોની હત્યા કોણે કરી, તે શોધી કાઢવાની છે. ગાયોની હત્યાને કારણે વિરોધ થયો અને તેના પરિણામે ઇન્સપેક્ટર સુબોધકુમારની હત્યા થઇ. અમે એવું માનીએ છીએ કે એક વાર આ કેસ ઉકેલાઇ જાય તો, તેનાથી સુબોધકુમારની હત્યાના મામલામાં પણ ઘણી વસ્તુઓ બહાર આવશે. હાલમાં અમારી પ્રાથમિકતા ગૌહત્યા કરનારાઓને પકડવાની છે અને હત્યા તેમ જ હિંસા ભડકાવવાનો મામલો બીજા નંબરે છે. તેમણે એવું પણ કહ્યું કે હાલમાં અમે કોઇ સંગઠનનું નામ તો બતાવી શકતા નથી પરંતુ એટલું તો તદ્દન સ્પષ્ટ છે કે ઇન્સપેક્ટરની હત્યાના મોટાભાગના આરોપી ગૌરક્ષા સાથે સંબંધિત ગતિવિધિઓમાં સંડોવાયેલા હતા. અમે આગળ ધરપકડો કર્યા બાદ જ તેની પુષ્ટિ કરી શકીશું પરંતુ અત્યારે ગાયોના હત્યારાઓને શોધી કાઢવાની અમારી પ્રાથમિકતા છે.
બુલંદશહરની હિંસા ‘એક મોટા કાવતરા’નો ભાગ હોવાનો પોલીસ મહાનિર્દેશક ઓપીસિંહે દાવો કર્યાના થોડાક દિવસ બાદ ઉપરોક્ત ટિપ્પણી કરવામાં આવી છે. તેમણે એવા પ્રશ્નો પણ કર્યા કે આ માત્ર કાયદો અને વ્યવસ્થઆનો મુદ્દો નથી, ગાયોના અવશેષો ત્યાં કેવી રીતે પહોંચ્યા ? આ અવશેષો કોણ લાવ્યો ? શા માટે અને કયા સંજોગો હેઠળ ?