અમરેલી, તા. ૧૦
અમરેલી શહેર તથા જિલ્લામાં અનાજ માફિયાઓ દ્વારા ગરીબોનું અનાજ બારોબર વેંચી દેવાના કૌભાંડમાં આ કેસની તપાસ ચલાવતા નાયબ પોલીસ અધિક્ષક અને તેના રાઈટરે અનાજ કૌભાંડના આરોપીઓ સાથે આર્થિક ગોઠવણી કરી કેસ રફેદફે કરી દેવા અંગેની તેમજ ૧૦ ફરિયાદના આરોપીઓને આગોતરા જામીન મળી જાય તેવી ગોઠવણ કરી આપી હોવાના આક્ષેપ સાથે નાયબ પોલીસ અધિક્ષક અને તેમના રાઇટર સામે ખાતાકીય તપાસ કરવા કૌભાંડ બહાર લાવનાર આરટીઆઈ કાર્યકર નાથાલાલ સુખડિયાએ રાજ્યના પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરતા ખળભળાટ મચેલ છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર મહિનાથી રેશનિંગ દુકાનદારો અને પુરવઠા વિભાગના મેળાપીપણાથી ચાલતા રેશનિંગ કૌભાંડની પુરાવાઓ સાથે આરટીઆઈ કાર્યકર સુખડિયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ખૂબ જ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં મામલતદારે ૧૦ દુકાનદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ અને આ કૌભાંડની તપાસ અમરેલીના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ચલાવાઈ રહી છે અને આ કેસમાં તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો રાજ્ય ભરમાં થઇ રહેલ અનાજ કૌભાંડની હકિકત સામે આવે તેમ છે અને કંઈક લોકો જેલભેગા થઈ શકે તેમ છે, પરંતુ આવી કોઈ જ ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવેલ નથી વર્ષોથી નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં રાઇટર તરીકે નોકરી કરતા કર્મચારીએ કૌભાંડિયા ઈસમો સાથે આર્થિક ગોઠવણથી આ તપાસને રફે દફે કરી તમામ ૧૦ ફરિયાદના આરોપીઓને આગોતરા જામીન મળી જાય તપાસનીશઅધિકારી દ્વારા ગોઠવણ થઇ હોવાનું સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ આક્ષેપ કરેલ છે.
સુરતમાં પણ અમરેલી જેવું જ રેશનિંગ કૌભાંડ થયેલ અને અમરેલી સુરત બંને જગ્યાએ સરખી જ કલમો અને હકીકતો છે તો સુરતની અંદર થયેલ અનાજ કૌભાંડમાં ડીસીબી દ્વારા થયેલ તપાસમાં એક પણ આરોપી બહાર નથી તમામે તમામ જેલમાં હવા ખાઈ રહ્યા છે અને જામીન પણ થવા દીધેલ નથી, ત્યારે રાજય સરકારનું કરોડોનું નુકશાન કરનારને અમરેલીના તપાસનીશ અધિકરી છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે રાજ્યના પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી અમરેલીના નાયબ પોલીસ અધિક્ષક અને તેના રાઇટર સામે ખાતાકીય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.