(એજન્સી) પઠાનકોટ, તા.૧૪
મંગળવારે રાત્રે પંજાબના માધોપુર ખાતે ચાર અજાણ્યા બંદૂકધારીઓ એક ટેક્ષી ડ્રાઈવર પાસેથી બંદૂકની અણીએ ટેક્ષી છીનવી લઈ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પઠાનકોટ અને આસપાસના જિલ્લાઓ કઠુઆ અને જમ્મુમાં હાઈએલર્ટ જાહેર કરી અપહરણકર્તાઓને ઝડપી લેવા મોટાપાયે અભિયાન શરૂ કરાયું હતું. ચાર જેટલા શખ્સોએ મંગળવારે રાત્રે જમ્મુ રેલવે સ્ટેશનેથી ઈનોવા કાર નં.જેકે ૦રએડબલ્યુ-૦૯રર ભાડે કરી હતી. ટેક્ષી મેજર સર્વજીતસિંગના નામે ભાડે કરાઈ હતી. જે પઠાનકોટ સ્થિત હતી. સીસીટીવી કેમેરામાં ચાર શખ્સોમાં એક મન્કીકેપ સાથે હતો. તેમણે એડવાન્સમાં ૩પપ૦ ચૂકવ્યા હતા. ટેક્ષી ભાડે કરનારાઓએ કઠુઆ ખાતે ડીનાર માટે ટેક્ષી રોકી હતી તેમ ડ્રાઈવર રાજકુમારે જણાવ્યું હતું. લખનપુર ટોલ પર ચાર શખ્સોએ સેનાના જવાન બતાવી ટોલમુક્તિ માંગી હતી. જ્યારે કાર માધોપુર પહોંચી ત્યારે અંદર સવાર ચાર શખ્સોએ કારમાં બંદૂક કાઢી હતી. ડ્રાઈવર કુમારને મારી નાંખવા તૈયાર થયા હતા પરંતુ અંતે ધક્કો મારી ડ્રાઈવરને બહાર ફેંકી દઈ ટેક્ષી લઈ ભાગી ગયા હતા. થોડેક દૂર જઈ ડ્રાઈવરે સુજાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચાર શખ્સો પંજાબમાં વાતો કરતા હતા. જે પાકિસ્તાનની પંજાબી બોલી હતી. કઠુઆ પોલીસ વડાએ કહ્યું કે, તેઓ કાર અને ચાર શખ્સોને ઝબ્બે કરવા સતત પઠાનકોટ પોલીસ સાથે સંપર્કમાં છે. આ ઘટના ર૦૧૬ની પઠાનકોટ એરબેઝ હુમલાની ઘટનાને યાદ કરાવે છે જ્યારે ત્રાસવાદીઓએ ટેક્ષી આંચકી લઈ પોલીસવડાની કારમાં સવાર થઈ હુમલાને અંજામ આપ્યો હતો. જેમાં ૧૦ લોકોના મોત થયા હતા. ત્રાસવાદીનો ભારે શસ્ત્રોથી સજ્જ હતા.