અમદાવાદ, તા.૨૩
પોતાની માગણીઓ અને સમસ્યાઓને વાચા આપવા પોલીસ જવાનો તા.૨ નવેમ્બરના રોજ તમામ ગ્રુપમાં સરકાર અને સમાજનું ધ્યાન દોરવા શાંતિમય શિસ્તબદ્ધ રીતે બ્લેક રીબીનનો પ્રયોગ કરશે. પોલીસ દળમાંથી સ્વયંભૂ મહા આંદોલનની શરૂઆત થઈ રહી છે. તમામ પોલીસ કર્મચારીઓ, પોલીસ પરિવારના સભ્યો તેમજ શુભેચ્છકો અને ટેકેદારો સંગઠીત બની લડત માટે તૈયાર રહે. અન્યાય અને શોષણ સામે સત્યાગ્રહનો જંગ અનિવાર્ય છે. પોલીસના હક્કો અને અધિકારોની સુરક્ષા માટે પુનઃ લડત શરૂ થઈ છે. ગુજરાત પોલીસ પરિષદના પૂર્વ પ્રમુખ મુકેશ પરીખ અને સંપર્ક મંત્રી હર્ષદ ઠક્કરે અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર સમક્ષ પોલીસ કર્મચારીઓના અને પોલીસ પરિવારના પડતર પ્રશ્નો વિના વિલંબે ઉકેલવામાં આવે તે માટે અનેક યોગ્ય રજૂઆતો કરવામાં આવી છે. સરકાર શાંતિથી કરવામાં આવેલ સાચી રજૂઆત સાંભળતી નથી. આથી ગુજરાત પોલીસ બેડામાં અસંતોષ અને આક્રોશ ભભૂકી રહ્યો છે. સૌ પ્રથમ પોલીસ કોન્સ્ટેબલ, હેડકોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ અને એસીપી કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓના પોલીસ એસોસિએશનને માન્યતા આપવાની વર્ષો જૂની માગણી સરકાર તાત્કાલિક સ્વીકારે. ગુજરાત સરકાર સમક્ષ તમામ પોલીસ પરિવારને સરકારી મકાનો આપવા હાઉસિંગની સમસ્યા ઉકેલવા, નોકરીમાં કામના કલાકો ૮ નક્કી કરવા, ૧૦૦ ટકાનો પગાર વધારો, પોલીસ પરિવારના સંતાનોના વિકાસ માટે ૫ ટકા અનામત અને સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ, ઓર્ડલી પ્રથા નાબૂદ કરવી, પ્રતિ વર્ષ સરકાર પોલીસ વેલફેર ફંડમાં ૧૨પ કરોડ જમા કરાવે, બદલી અને બઢતીના પ્રશ્નો તેમજ રાજકીય ડખલગીરી નાબૂદ કરવાના મુદ્દે તેમજ તમામ માગણીઓના સ્વીકાર માટે સત્યાગ્રહ કરાશે. રાજકીય પક્ષો અને સરકાર માગણીઓ નહી સ્વીકારે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારને મત નહીં આપે અને “નોટા”નો પ્રચાર પ્રસાર થશે અને “નોટા”નું એલાન આપવામાં આવશે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને તા.૧લી નવેમ્બરે રક્ત લીખીત આખરીનામું આપવામાં આવશે. મુકેશ પરીખ અને હર્ષદ ઠક્કરે વધુમાં જણાવ્યું કે, ‘પુલીસ બિન એક દિન’ની કલ્પના પણ કરી શકાતી નથી. સમાજ અને સરકારની ખુદની સુરક્ષા પોલીસ કરે છે. ગુજરાતની ૭ કરોડની જનતાના જાનમાલની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સર્વોચ્ચ અગ્રીમતા અને તેમજ મા, બહેન અને દીકરીઓની ઈજ્જતની સુરક્ષા માટે ગુજરાત પોલીસને સલામ.