(એજન્સી) કૌશાંબી, તા.ર૪
ઉત્તરપ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અન્ય મુસ્લિમ કુટુંબોના પલાયનના સમાચારો મળી રહ્યા છે. પોલીસના અત્યાચારો અને કોમી તણાવના ભયના લીધે કૌશાંબી જિલ્લાના એક ગામમાંથી ડઝનથી વધુ મુસ્લિમ કુટુંબો જુલાઈના પહેલાં અઠવાડિયામાં ગામ છોડી જતાં રહ્યા હતા. આક્ષેપો મુજબ પોલીસ સ્થાનિક ભાજપ ધારાસભ્યના દબાણોના લીધે ભય ફેલાવી રહી છે. આ ઘટના કૌશાંબી જિલ્લાના સુરસેની ગામના સરાઈ અકિલ વિસ્તારમાં બની હતી. ર૯મી જૂને બે જૂથો વચ્ચે સંઘર્ષ થયું હતું. સંઘર્ષનું કારણ રેતી ભરેલ ટ્રક હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડૉ.નિસારે પોતાના કાર્ય માટે રેતીની ટ્રક મંગાવી હતી પણ ટ્રક ઓવરલોડ હતી. ગામના પૂર્વ સરપંચ મનોજ દ્વિવેદી અને એમના ભાઈએ ટ્રકનો વીડિયો લેવાનું શરૂ કર્યું. એમના આક્ષેપો હતા કે ડૉ.નિસારના સંબંધો રેત માફિયાઓ સાથે છે. આના લીધે બન્ને તરફી લોકો ભેગા થઈ ગયા અને મામલો હિંસક બની ગયો અને પોલીસ બોલાવવી પડી. પોલીસે ૬૦ આરોપીઓ સામે કેસ નોંધ્યો જેમાં નિસાર પણ આરોપી હતા. જેમાંથી ૧૧ વ્યક્તિઓના નામો જણાવેલ હતા. એફઆઈઆર દાખલ થયા પછી પોલીસે ધરપકડો શરૂ કરી અને સાત વ્યક્તિઓની ધરપકડ કરી. પોલીસે મુસ્લિમ કોમના ઘરોની તપાસો કરી જેનાથી મામલો વધુ વકર્યો અને પોલીસ ઉપર આક્ષેપો કરાયા કે ભાજપ ધારાસભ્યના કહેવાથી મુસ્લિમોને ત્રાસ આપી રહી છે. આરોપીઓને શોધવાના બહાને મુસ્લિમ મહિલાઓને પણ હેરાન કરે છે. પોલીસની કામગીરીને ધાર્મિક પૂર્વગ્રહવાળી હોવાનું કહેવાતા ગામના અમુક લોકો ગામ છોડી જવા લાગ્યા હતા. એ દરમિયાન ગામના હાલના સરપંચ રીના શુકલા દોડી આવ્યા અને મુસ્લિમોને સુરક્ષાની ખાતરી આપી અને ગામ નહીં છોડવાની વિનંતી કરી જેથી અમુક કુટુંબો અટકયા હતા. જે કુટુંબો જતા રહ્યા હતા એમને પાછા બોલાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જો કે પોલીસે કોઈપણ પ્રકારના પલાયનનું ઈન્કાર કર્યું છે. પોલીસે જણાવ્યું કે, ર૯મી જૂને બનેલ ઘટના સંદર્ભે અમે આરોપીઓની ધરપકડ કરી રહ્યા છીએ. અમોએ કોઈપણ પ્રકારના અત્યાચારો કર્યા નથી અમુક કુટુંબો ધરપકડોથી બચવા ગામ છોડી ગયા હતા. પૂર્વ સરપંચ દ્વિવેદીએ જણાવ્યું કે પલાયનની વાત તદ્દન ખોટી છે. આ પ્રકારની ઘટના ગામમાં નથી બની. સમાજવાદી પક્ષના સમર્થક પત્રકારોએ સ્થાનિકોને કહ્યું કે તમે પલાયન કરી રહ્યા છો. એવું ડોળ કરો અને માત્ર ફોટાઓ જ પડાવવાના છે. દ્વિવેદીએ કહ્યું કે આમાં ભાજપ ધારાસભ્ય સંજય ગુપ્તાની પણ કોઈ ભૂમિકા નથી. સંજય ગુપ્તાએ પણ કહ્યું આ પલાયન નથી માત્ર નૌટંકી છે જે ફકત મને બદનામ કરવા કરાઈ રહી છે.