(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
વડોદરા શહેરની મધ્યમાં નવીનીકરણ કરાયેલા સુરસાગરના લોકાર્પણ માટે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે. ત્યારે વડોદરા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે સુરસાગર તળાવ ફરતે ડોગસ્કોર્ડ અને બોમ્બ સ્કોર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. સુરસાગરના લોકાર્પણમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આવનાર હોવાથી શહેર પોલીસ તંત્ર દ્વારા સુરસાગર ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર નલીન ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં સુરસાગરની ફરતે કોઇ પણ પ્રકારના પથારા, લારી-ગલ્લા ઊભા રાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ કેન્દ્ર ગૃહમંત્રીના આગમનને લઇ શહેર પોલીસ તંત્ર દ્વારા સુરસાગર ફરતે ચૂસ્ત પોલીસ બંદોબસ્તનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે.