(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
નાગરિકતા સંશોધન કાયદા પર હિંસા બાદ હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે. સોમવારનાં રોજ વિરોધ પક્ષનાં નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકારને ઘેરી. તેમણે પોલીસ એક્શન પર પ્રશ્ન ઉઠાવતા ગૃહમંત્રી અમિત શાહને ઘેર્યા. આ દરમિયાન કૉંગ્રેસનાં ગુલામ નબી આઝાદ, સીપીઆઈનાં સીતારામ યેચુરી, ડી રાજા વગેરે લોકો હાજર હતા. તમામે આ જામિયા યૂનિવર્સિટી હિંસા મામલે ન્યાયિક તપાસની માગ કરી છે. ગુલામ નબી આઝાદે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, “અત્યારે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. પોલીસ કેમ્પસમાં ઘુસી, લાઇબ્રેરીમાં જઇને, બાથરૂમમાં જઇને વિદ્યાર્થીઓને માર્યા. અંધારામાં જ ત્યાં વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા. છોકરીઓ બચાઓ, બચાઓ કહી રહી હતી.” આઝાદે કહ્યું કે, “વિરોધ પ્રદર્શન વિદ્યાર્થી જીવનનો ભાગ છે. જે યૂનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન નથી, હું માનું છું કે ત્યાંનાં બાળકો બોલી શકતા નથી. યૂનિવર્સિટી રજિસ્ટ્રારની પરવાનગી વગર પોલીસ ઘુસી ના શકે તો પછી કઈ રીતે ઘુસી?” આઝાદે કહ્યું કે, “સત્તા પક્ષ કૉંગ્રેસ પર દેશભરમાં પ્રદર્શન કરવાનો આરોપ લગાવી રહી છે. હું કહું છું કે જો કૉંગ્રેસની એટલી તાકાત હોત કે આટલો મોટો વિદ્રોહ કરાવી શકે તો તમે સત્તામાં ના હોત પ્રધાનમંત્રી જી.” આઝાદે કહ્યું કે પ્રદર્શનોમાં દરેક ધર્મનાં વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. આઝાદ બાદ સીતારામ યેચુરી અને ડી રાજાએ મીડિયાને સંબોધિત કર્યું. તેમણે પુછ્યું કે દિલ્હીમાં પોલીસ કાર્યવાહી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ ક્યાં હતા? તેમણે જામિયા યૂનિવર્સિટીમાં તોડફોડ અને હિંસા માટે જવાબદાર વ્યક્તિઓ સામે લાવવા અને તેના પર એક્શન લેવાની માગ કરી.