(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
શહેરના કડોદરા ચાર રસ્તા પાસે આવેલી પોલીસ ચોકીમાં દારૂ પીને આવેલા રીક્ષા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા જતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ પોલીસ ચોકીના ટેબલનો કાચ તોડી નાંખી ઢીક મુક્કીનો માર-મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા જીઆઈડીસી પાસે આવેલી એક પોલીસ ચોકીમાં વિજયભાઈ દલાભાઈ મકવાણા ફરજ બજાવે છે. મૂળ જલગાંવ મહારાષ્ટ્રના વતની અને હાલમાં ચલથાણ લક્ષ્મીનગર પાસે રહેતા મયુર સાહેબરાવ તેમની પોલીસ ચોકીમાં દારૂ ઢીંચીને આવી બુમ બરાડા પાડતો હતો. આ દરમિયાન પોલીસ કર્મચારી વિજય મકવાણા તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પણ તે ન સમજતા ઉશ્કેરાઈ જઈ ટેબલ પરના કાચ તોડી નાંખી ઢીક મુક્કીનો તેમજ લાતો મારી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. પોલીસ કર્મચારી વિજય મકવાણાએ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.