(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
લોક કલ્યાણ માર્ગ ઉપર આવેલ વડાપ્રધાન મોદીના ઘરની ઉપર ડ્રોન જેવી વસ્તુ દેખાતા દોડધામ મચી ગઈ છે. માહિતી મળ્યા પછી બધી સુરક્ષા એજન્સીઓની સાથે દિલ્હી પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી પણ એવી કોઈ વસ્તુ મળી આવી નથી તેમ છતાંય સુરક્ષા એજન્સીઓને એલર્ટ રખાઈ છે.
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ મોદીની હત્યાના કાવતરાના લીધે સુરક્ષા એજન્સીઓમાં મીટિંગો થઈ રહી છે. આ દરમિયાન ડ્રોન જેવી વસ્તુને ગંભીરતાથી લેવાયું હતું. મળતા સમાચારો મુજબ ૭મી જૂને સાંજે લગભગ ૭.૩૦ કલાકે વડાપ્રધાનની સુરક્ષામાં હાજર રહેલ એસપીજી કમાન્ડોને ઘરની ઉપર ડ્રોન જેવી વસ્તુ દેખાઈ હતી. આ પછી બધી જ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરાયું હતું. એમણે ઝીણવટભરી તપાસ કરી, રડારથી પણ તપાસ કરાઈ પણ ડ્રોન હોવાના પુરાવાઓ મળ્યા નથી. સોમવારે ગૃહમંત્રી રાજનાથ સિંહે મોદીની સુરક્ષાને લઈ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી સમીક્ષા કરી હતી. જેમાં અજીત ડોભાલની સાથે કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબા અને ઈન્વેસ્ટિગેશન બ્યૂરોના ડાયરેક્ટર રાજીવ જૈન પણ હાજર હતા. ર૦૧૭ના વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પણ સંસદ ભવન વિસ્તારમાં ડ્રોન દેખાયું હતું. તે વખતે પણ કશું મળ્યું ન હતું.