(એજન્સી) મેરઠ,તા. ૨૪
નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનોમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરવા માટે મેરઠ જઈ રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધીને મેરઠ પોલીસે શહેરમાં પ્રવેશતા પહેલા જ અટકાવી દીધા હતા. કોંગ્રેસ નેતાઓએ પોલીસને કહ્યું કે તેઓ ફક્ત ત્રણ જણા જ પીડિત પરિવારને મળવા માટે જશે તેમ છતાં પણ પોલીસે તેમને શહેરમાં પ્રવેશવા દેવાની પરવાનગી આપી ન હતી.
પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મેરઠની બહાર પરતાપુર ખાતે જ અટકાવી દીધા હતા. પોલીસે તેમને કહ્યું કે તમે બે દિવસ પછી આવજો. પોલીસના કહેવાથી તેઓ દિલ્હી જવા માટે પરત ફરી ગયા છે. આ અંગે જણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે ‘અમે પોલીસને કહ્યું કે અમને મેરઠ નહીં જવા દેવાના તમારી પાસે કોઈ ઓર્ડર છે? પરંતુ તેઓએ અમને મેરઠ નહીં જવા દેવા માટેનો ઓર્ડર બતાવવાને બદલે અમને દિલ્હી જતા રહેવા માટે કહ્યું.’
કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા રવિવારના રોજ અનિર્ધારિત યાત્રા કરીને ઉત્તર પ્રદેશના બિજનૌર ખાતે પહોંચ્યા હતા. બિજનૌરમાં તેમણે નવા નાગરિકતા સુધારણા કાયદા પર થયેલી હિંસામાં માર્યા ગયેલા બે વ્યક્તિઓના પરિવારો સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસી સૂત્રોનું કહેવું છે કે તેઓ બિજનૌર જિલ્લાના નહટૌર વિસ્તારમાં ગયા હતા. ત્યાં તેમણે વિરોધ પ્રદર્શન કરનારા અનસ અને સુલેમાનના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
રાહુલ, પ્રિયંકા ગાંધીને માર્યા ગયેલા દેખાવકારોના પરિવારોને મળવા માટે મેરઠમાં પ્રવેશ કરતાં પોલીસે અટકાવ્યા

Recent Comments