(એજન્સી) તા.૨૪
શાહીનબાગમાં ચાલી રહેલા સીએએ- વિરોધી પ્રદર્શનો માટે સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલા વાર્તાકાર વજાહત હબીબુલ્લાહે મહિલા પ્રદર્શનકારીઓએ સુરક્ષા કારણોસર આ સ્થળની પસંદગી કરી છે. કારણ કે તેમને સમયાંતરે ધમકીઓ મળતી રહેતી હતી. તેમણે આ પણ કહ્યું હતું કે શાહીનબાગના પાંચ વૈકલ્પિક માર્ગો પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યા છે. અને પ્રદર્શનકારીઓ પર ટ્રાફીક અવરોધના આક્ષેપો કરવામાં આવે છે જે સાચા નથી. કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં હબીબુલ્લાહે કહ્યું હતું કે “મેં નોંધ્યું હતું કે જેમનું વિરોધ પ્રદર્શન સાથે કોઈ સબંધ નથી તેવા સંખ્યાબંધ માર્ગો પોલીસે બેરિકેડ મૂકી બિનજરૂરી રીતે બ્લોક કર્યા છે. અને તેઓ પ્રદર્શનકારીઓ પર આક્ષેપ કરી રહ્યા છે. આમ બેરિકેડથી બિનજરૂરી રીતે બંધ કરવામાં આવેલા માર્ગોના કારણે આ અરાજકતા સર્જાઈ છે. હબીબુલ્લાહે આ પણ કહ્યું હતું કે પોલીસે આ માર્ગો બંધ કરવાનો નિર્ણય લેનારા વ્યક્તિઓના નામ જાહેર કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે રાજકીય પાર્ટીઓના આક્ષેપોથી વિપરિત પ્રદર્શનકારીઓએ ક્યારેય કોઈ એમ્બ્યૂલન્સ કે સ્કૂલબસ રોકી નથી. હબીબુલ્લાહે કહ્યું હતું કે આ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ છે અને તેમાં બધા ધર્મોના લોકો એકજૂથ થઈ સી.એ.એ., એન.આર.સી, એન.પી.આર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.