(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હીમાંથી આશરે ૫૦૦ જેટલી લક્ઝુરિયસ કારો ચોરનારા ૨૯ વર્ષના શખ્સની ધરપકડ કરવામાં દિલ્હી પોલીસે સફળતા મેળવી છે. ઉત્તર દિલ્હીના નંદ નગરીમાં રહેતા ૨૯ વર્ષીય સફરૂદ્દીનનો પોલીસે ૫૦ કિલોમીટર સુધી પીછો કર્યા બાદ તેને જેલમાં ધકેલવામાં સફળતા મળી છે. દિલ્હી પોલીસે સફરૂદ્દીનની ૫૦૦ જેટલી હાઇ-ટેક કારોની ચોરી કરીને પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તેમજ અન્ય રાજ્યોમાં વેચવાના ગંભીર ગુનામાં ધરપકડ કરી છે.જો કે તેના નામે એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
પાંચ વર્ષના ગાળામાં આરોપી હૈદરાબાદથી દિલ્હી પ્લેનમાં આવતો, પોતાના ગુનાને અંજામ આપી તે પાછો હૈદરાબાદ જતો રહેતો જેના કારણે તે ક્યારેય પોલીસના સકંજામાં આવ્યો ન હતો. પોલીસને આપેલા પોતાના નિવેદનમાં સફરૂદ્દીને જણાવ્યું કે દર વર્ષે ૧૦૦ હાઇ-ટેક લક્ઝુરીયસ કારો ચોરવાનો તેનો ટાર્ગેટ રહેતો અને પછી તે ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. ડીસીપી રાજેશ દેવેએ જણાવ્યું કે પોતાના સફરમાં તે એક લેપટોપ અને હાઇ-ટેક સાધનો રાખતો જેની મદદથી ટાર્ગેટ કરેલી કારોના સોફ્ટવેર, જીપીએસ અને સેન્ટ્રલાઇઝ લોકિંગ સીસ્ટમને તોડતો. ૩જી ઓગસ્ટે ઇન્સપેક્ટર નીરજ ચૌધરી અને સબ- ઇન્સપેક્ટર કુલદીપની ટીમે ગગન સીનેમા નજીક એક કારને ઉભી રાખવા નિર્દેશ કર્યો. તેનો ડ્રાઇવર સફ્રુદિન હતો લગભગ ૫૦ કિલોમીટર સુધી પીછો કર્યા બાદ પ્રગતિ મેદાન પર તેની ધરપકડ કરવામાં આવી. અગાઉ ૫ જૂને સફ્રુદિન અને તેના ચાર સાગરીતોએ વિવેક વિહારમાં પોલીસ સાથેની અથડામણમાં ગોળીબાર કર્યો હતો. જેમાં નૂર મહોમ્મદ નામના સાથી માર્યો ગયો હતો અને રવી કુલદીપને પોલીસે ઝડપી લીધો હતો.