(એજન્સી) તા.૯
જમ્મુ અને કાશ્મીર પોલીસે આખરે ૫ ઓગસ્ટના રોજ અર્ધલશ્કરી દળોથી છટકી જવા માટે નાસતા ફરતા ૧૭ વર્ષના તરુણનું ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું એવી આખરે કબૂલાત કરી છે. આ જ દિવસે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશિષ્ટ બંધારણીય દરજ્જો પાછો ખેંચી લીધો હતો.
પોલીસે શ્રીનગરના જિલ્લા મેજીસ્ટ્રેટને આ ઘટનામાં સત્ય શોધવા અદાલતી તપાસ કરવા જણાવ્યું છે. ૨,ડિસે. મેજીસ્ટ્રેટને સોંપવામાં આવેલ રિપોર્ટ અનુસાર આ તરુણનું જેલમ નદીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું કે જે નદી શ્રીનગરમાંથી પસાર થાય છે. જેલમ નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામનાર યુવાન ઓશેબ મારાઝી હતો અને તેની ઉંમર ૧૭ વર્ષની હતી. તેના પરિવાર અને ત્રણ સાક્ષીઓના જણાવ્યા અનુસાર આ તરુણ અને અન્ય ૧૦ છોકરાઓ પાછળ ૫ ઓગસ્ટના બપોર બાદ સીઆરપીએફના જવાનો પડ્યા હતા. જ્યારે સીઆરપીએફ કર્મીઓ દ્વારા પારિમ્પોરામાં એક રોડની બંને બાજુએ તૈનાત થઇને તેમને ફસાવ્યા હતા ત્યારે મારાઝી નદીમાં કૂદી પડ્યો હતો. તેને તરતા આવડતું ન હતું અને શ્રીનગરની શ્રી મહારાજા હરીસિંહ હોસ્પિટલમાં તેને મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. આમ કેન્દ્રએ અનુચ્છેદ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરનો વિશિષ્ટ દરજ્જો નાબૂદ કર્યા બાદ તેમજ લોકડાઉન લાદીને તેનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કર્યા બાદ મૃત્યુનો ભોગ બનનાર મારાઝી પ્રથમ નાગરિક હતા. મારાઝીના મૃત્યુના ચાર મહિના સુધી જમ્મુ-કાશ્મીર પોલીસે તેનું મૃત્યુ થયું હોવાના દાવાને ફગાવી દીધો હતો.