(એજન્સી) તા.૧
ઝારખંડમાં તબરેઝ અન્સારીની હત્યાના વિરોધમાં ઉત્તરપ્રદેશના મેરઠમાં રવિવારે પરવાનગી વગર સરઘસ કાઢવામાં આવતા તંગદિલી વ્યાપી ગઈ હતી. પોલીસે ઘણા સ્થળોએ આ સરઘસને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ પથ્થરમારો થતા પરિસ્થિતિ વણસી હતી. પથ્થરમારાના પગલે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા મીડિયા અહેવાલો પ્રમાણે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે જિલ્લા વહીવટીતંત્રએ આગામી આદેશ સુધી ઈન્ટરનેટ સેવાઓ પ્રતિબંધિત કરી દીધી છે. નોંધનીય છે કે ઝારખંડમાં હિંસક ટોળાએ તબરેઝ અન્સારી સાથે મારપીટ કરી તેની હત્યા કરી દીધી હતી. આ ઘટનાનો વિરોધ કરવા માટે યુવા સેવા સમિતિના બેનર હેઠળ ફૈઝ-એ-આમ ઈન્ટર કોલેજમાં સભા યોજવામાં આવી હતી. ત્યાર બાદ મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોએ પરવાનગી વગર સરઘસ કાઢયો હતો. જેના કારણે પોલીસે સરઘસને રોકવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં પ પોલીસકર્મીઓ સહિત સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. સિનિયર સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ નીતિન તિવારીએ જણાવ્યું હતું કે શહેરમાં ધારા ૧૪૪ લાગુ છે. ફેઝ-એ-આમ કોલેજમાં પરવાનગી વગર સભા કરવામાં આવી હતી અને ત્યાર બાદ સરઘસ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પોલીસે આ સરઘસ રોકવાનો પ્રયત્ન કરતા કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ પથ્થરમારા બદલ ૧૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ૭૦ ઓળખાયેલા લોકો સહિત ૧ હજાર લોકો વિરૂદ્ધ ગંભીર ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.