(સંવાદદાતા દ્વારા) રાજપીપળા, તા.રપ
નર્મદા પોલીસના એસટી/એસસી સેલમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ રતીલાલભાઈ વસાવા પોતાની ફરજના સ્થળેથી પોતાના નિવાસસ્થાને જઈ રહ્યા હતા તે દરમિયાન સંતોષ ચોકડી પાસેથી એક લેડીઝ પર્સ મળી આવેલ. જે ખોલીને જોતા એક સોનાની કિં.રૂા.૩પ૦૦૦ સોનાનું લોકેટ કિં.રૂા.રપ૦૦, સોનાની બે બુટ્ટી-કિં.રપ૦૦૦, સોનાની જળ-કિં.૮૦૦ મળી કુલ ૩૬૦૦૦ના સોનાના દાગીના તેમજ રોકડા રૂા.રર૦ હોવાનું માલૂમ પડેલ. આજુબાજુ પૂછપરછ કરતાં કોઈ ભાળ મળેલ નહીં. દરમિયાન નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા શહેરમાં તપાસ કરતા એક રર-ર૩ વર્ષીય યુવતી પ્લેઝર મોપેડ લઈને જતી હતી તે દરમિયાન આ પર્સ પડી ગયેલ હતું. મોપેડની નંબર પ્લેટથી તેના માલિકને શોધવાની તજવીજ હાથ ધરી હતી. તપાસના અંતે આ મોપેડ રાજપીપળાની છોટુભાઈ પુરાણી મહાવિદ્યાલયના કંપાઉન્ડમાં રહેતા દેવજીભાઈ ખુશાલભાઈ પરમારનું હોવાનું માલૂમ પડતાં તેઓના ઘરે જઈને ખાતરી કરતા આ લેડીઝ પર્સ દેવજીભાઈની પરણિત દીકરી પ્રિતીબેન કે જે વડોદરા ખાતે રહે છે. જે રક્ષાબંધનના તહેવાર અર્થે રાજપીપળા આવેલ જેનું પર્સ બજારમાં ખોવાઈ ગયેલ હતું. જેથી આ દેવજીભાઈ પરમારને પોલીસ અધિક્ષકની કચેરીના એસ.ટી.એસ.સી સેલના નાયબ પોલીસ અધિક્ષક એલ.બી. મોણપરાની રૂબરૂમાં આ ખુશાલભાઈ પરમાર તેમજ તેમના પત્ની રમીલાબેનને બોલાવીને આ પર્સની સોંપણી કરેલ છે. પરમાર રવિવારે પોલીસ કોન્સ્ટેબલ નરેશ વસાવાનો આભાર વ્યક્ત કરેલ. સમગ્ર બાબતે નાયબ પોલીસ અધિક્ષક એલ.બી. મોણપરાએ સમગ્ર બાબતની જાણ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાને કરતા તેઓએ પણ કોન્સ્ટેબલ નરેશભાઈ રતીલાલભાઈ વસાવાને અભિનંદન આપી તેઓની પ્રામાણિકતાને બિરદાવી ઈનામ આપવાની જાહેરાત કરી છે.