પ્રજામાં ભારે આક્રોશ : પોલીસોને સસ્પેન્ડ કરાયા
(એજન્સી)
સિધ્ધાર્થનગર, તા.૧૩
યુપીના પોલીસ જવાનો દ્વારા બેરહેમીથી એક શખ્સને તેના બાળકની સામે મારઝૂડ કરવાનો વીડિયો વાયરલ થતાં તેની પત્રકારો અને નાગરિકોએ તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. વીડિયોમાં સબ-ઈન્સ્પેકટર કક્ષાના અધિકારી એક યુવકને ગડદાપાટુનો માર મારતાં જોવા મળ્યો છે. જેમને કોન્સ્ટેબલ મદદ કરી રહ્યો છે. પીડિત યુવક તેના બાઈકના દસ્તાવેજો રજૂ કરવાનું વચન આપી રહ્યો હોવા છતાં પોલીસે ઢોરમાર માર્યો હતો. પોલીસે યુવકના બાઈકની ચાવી કાઢી લઈ ઘાતકી હુમલો કર્યો હતો. ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ પોલીસોને આજીજી કરી હતી કે તેઓ યુવકને તેના બાળકની હાજરીમાં માર મારવાનું બંધ કરે, પરંતુ પોલીસોએ તેમની વાતને અવગણી મારઝૂડ ચાલુ રાખ્યો હતો. આ ઘટના સિધ્ધાર્થનગર જિલ્લામાં બની હતી જે નેપાળ સરહદે છે. રિપોર્ટ મુજબ વીડિયો વાયરલ થયા બાદ બન્ને પોલીસોને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસના હુકમો કરાયા હતા. દરમિયાન યુપી પોલીસ સામે વ્યાપક ધિક્કારની લાગણી ફેલાઈ છે. ઘણા લોકો કહે છે કે, આ ગુના હેઠળ માત્ર સસ્પેન્ડનું પગલું પૂરતું નથી. વીડિયો વાયરલ થયા બાદ સંકેત નામના એક યુવકે લખ્યું છે કે, આ પોલીસનું લિંચિંગ છે. રિફાકત જાવેદ નામના યુવકે કહ્યું કે, ભયાવહ કૃત્ય છે. યુવકને તેના બાળક સામે માર મારવાની ઘટનાનો દુઃખ છે. ખાખી વર્ધી સામે શું પગલાં લેવા જોઈએ ? આરોપી પોલીસ જવાનોની ઓળખ થઈ છે. જેમાં એક સબ-ઈન્સ્પેકટર વિરેન્દ્ર મિશ્રા છે અને બીજો કોન્સ્ટેબલ મહેન્દ્ર પ્રસાદ છે. વ્યંકટેશ પ્રસાદ નામના એક નાગરિકે કહ્યું કે, પોલીસનું કૃત્ય મૃત્યુદંડની સજાને પાત્ર છે.