(એજન્સી)
અમૃતસર, તા. ૨૦
પંજાબ અને રેલવે પોલીસ દ્વારા અમૃતસરમાં દશેરાની ઉજવણી જોઇ રહેલા ૬૦ લોકોને કચડી નાખનારી ટ્રેનના ડ્રાઇવરની પુછપરછ કરવામાં આવી છે. ડ્રાઇવરે પુછપરછમાં કહ્યું હતું કે, તેને આગળ વધવા માટે ગ્રીન સિગ્નલ મળ્યું હતું અને તેને ખબર ન હતી કે, આ વિસ્તારમાંથી ટ્રેન પસાર થતા પહેલા ટ્રેક પર સેંકડો લોકો ઉભા છે. ડ્રાઇવરની લુધિયાણા રેલવે સ્ટેશન પર પુછપરછ કરાઇ હતી. પોલીસે કહ્યું છે કે, જોડા ફાટક પાસે રાવણ દહનનું આયોજન કરનારા લોકો હજુ ગુમ છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, જોડા ફાટક નજીક ટ્રેક પર ફરજના લાઇનમેન સાથે વાત કરી રહ્યા છે જેણે કથિત રીતે રેલવે ટ્રેક પર સેંકડો લોકોની હાજરી અંગે ડીએમયુના ડ્રાઇવરને જાણ કરી ન હતી. રાવણના પૂતળાના દહન દરમિયાન ફટાકડા અને લોકોની ચીચીયારીઓ વચ્ચે ટ્રેક પર ઉભેલા લોકોને ટ્રેનનો અવાજ સંભળાયો ન હતો.
રેલવે ટ્રેક પરથી રાવણના બળતા પૂતળાને જોઇ રહેલા ૬૦થી વધુ લોકોને શુક્રવારે ડીએમયુ જાલંધર-અમૃતસર પેસેન્જર ટ્રેન દ્વારા કચડી નખાયાની માહિતી મિનિટોમાં જ અમૃતસર સ્ટેશને આપી હતી ટ્રેનના ડ્રાઇવરે બીજી સ્ટેશને પહોંચીને આ દુર્ઘટના વિશે જાણ કરી હતી. રેલવેના સિનિયર અધિકારીએ જણાવ્યું કે, ડ્રાઇવરે ડરતા અવાજમાં જણાવ્યું કે, ટ્રેક પર ઘણા લોકોને ટ્રેને કચડી નાખ્યા છે તેણે તરત જ અમૃતસર સ્ટેશન ખાતેના સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાના કારણોમાં ડ્રાઇવરનું નિવેદન પણ નોંધવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, દુર્ઘટના બાદ જાલંધર-અમૃતસરના રૂટ પર ટ્રેનોની અવર જવર બંધ કરાઇ છે. આશરે ૬૦ જેટલા લોકો ટ્રેક પર ઉભા રહીને રાવણ દહન કાર્યક્રમ જોઇ રહ્યા હતા તે સમયે જ ટ્રેક પર ટ્રેન આવી ચડી હતી. શહેરા ધોબી ઘાટ નજીક આવેલા જોડા ફાટકના ટ્રેક પાસે ફટાકડાઓના અવાજ વચ્ચે રાવણના પૂતળાનું દહન જોવા માટે આશરે ૭૦૦થી વધુ લોકો હાજર હતા અને તે જ સમયે સાંજે સાત વાગે જાલંધરથી અમૃતસર જઇ રહેલી ટ્રેન પૂરઝડપે પાટા પર આવી હતી. ટ્રેન પસાર થવામાં આશરે ૧૦-૧૫ સેકન્ડ લાગ્યા હતા ત્યાં તો ચીચીયારીઓથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું અને ચારેતરફ લાશો વિખેરાયેલી પડી હતી. ફટાકડાના અવાજને કારણે મોટાભાગના લોકો ટ્રેનના હોર્નને સાંભળી શક્યા ન હતા.