(એજન્સી) નવી દિલ્હી, તા.ર
દિલ્હી તરફ આગળ વધી રહેલી ખેડૂતોની કૂચને રોકવા મોદી સરકારે ખેડૂતો પર પોલીસો દ્વારા પાશવી અત્યાચારો કરાવ્યાનો વિપક્ષોએ આરોપ મૂક્યો હતો. જ્યારે કોંગ્રેસે આરોપ મૂક્યો કે દિલ્હીની સલ્તનતના બાદશાહ સત્તાના નશામાં ચકચૂર બન્યા છે. વિપક્ષોએ આરોપ મૂકી કહ્યું છે કે કેન્દ્ર સરકાર ખેડૂત વિરોધી છે. જેણે ખેડૂતોને પાટનગરમાં પ્રવેશતા અટકાવ્યા. જેઓ તેમની ફરિયાદોને વાચા આપવા દિલ્હી આવવા માગતા હતા. જ્યારે બીજી તરફ સરકાર ખેડૂતોને તેમની સમસ્યાઓ દુર કરવા ખાત્રી આપવાના પ્રયાસો કરતી હતી. ખેડૂતોને દિલ્હી-યુપી સરહદે ગાજિયાબાદ ખાતે રોકી દેવાયા હતા. પોલીસે ખેડૂતો પર ટીયરગેસ-પાણીના કેનન છોડ્યા હતા. કેટલાક પર લાઠીચાર્જ કરાયો. દિલ્હીમાં પ્રતિબંધિત આદેશો લાગુ કરાયા હતા. જેથી ખેડૂતો દિલ્હીમાં પ્રવેશે નહીં. પરંતુ ખેડૂતોએ પ્રવેશ કરતાં પોલીસે બળથી તેમને વિખેરી નાખ્યા હતા. સરકારે ખેડૂતોને દેખાવો બંધ કરવા જણાવ્યું હતું અને ખાત્રી આપી હતી કે મુખ્યમંત્રીઓની સમિતિ તેમની માગણીઓ અંગે વિચારશે. પરંતુ ખેડૂતો માન્યા ન હતા. ગૃહમંત્રી રાજનાથસિંગ, કૃષિ મંત્રી રાધામોહન અને ગજેન્દ્રસિંગે દેખાવકારો સાથે ચર્ચા કરી હતી.

ખેડૂતો પર પોલીસ કાર્યવાહી બદલ કોંગ્રેસનો વડાપ્રધાન
પર કટાક્ષ : બાદશાહ સત્તાના નશામાં ચૂર

(એજન્સી) તા.ર
દિલ્હી તરફ શાંતિપૂર્વક કૂચ કરતા ખેડૂતો પર નિર્દયતાપૂર્વક પોલીસ કાર્યવાહી કરવા બદલ મંગળવારે કોંગ્રેસે મોદી સરકારની નિંદા કરી હતી. પોલીસ કાર્યવાહીને વખોડતાં કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું હતું કે, જો મોદી સરકાર કેટલાક ઉદ્યોગપતિઓનું મોટું દેવું માફ કરી શકતી હોય તો તે ખેડૂતોની લોન માફ શા માટે ન કરી શકે ? કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘દિલ્હી સલ્તનતનો બાદશાહ સત્તાના નશામાં ચૂર છે’. સુરજેવાલાએ કહ્યું હતું કે, તેમના માથામાં અભિમાન ભરાઈ ગયું છે. કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોની વાત સાંભળવાને બદલે તેમની સાથે નિર્દયતાપૂર્વક મારપીટ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે મંગળવારે હજારો ખેડૂતોએ લોન માફી, ઈંધણોના ભાવોમાં ઘટાડો વગેરે જેવી માગો સાથે દિલ્હી તરફ કૂચ કરી હતી. પરંતુ દિલ્હી-યુપી સરહદે વોટર કેનન અને ટીયરગેસનો ઉપયોગ કરી તેમને અટકાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. આ વિશે સુરજેવાલાએ ટ્‌વીટમાં કહ્યું હતું કે કોંગ્રેસ વર્કિંગ કમિટી ખેડૂતો પર કરવામાં આવેલા લાઠીચાર્જ અને ક્રૂર વ્યવહારની સખત નિંદા કરે છે. સુરજેવાલાએ કહ્યું હતું કે જો મોદી સરકાર કેટલાક ઉદ્યોગપતિઓનો રૂા.૩.૧૭ લાખ કરોડનું દેવું માફ કરી શકતા હોય તો તે ૬ર કરોડ ખેડૂતોની લોન તેમની સમસ્યાઓ સંભળાવવા માટે દિલ્હી ન આવી શકે ? શું તેઓ દેવાની માફી અને તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવ ન માગી શકે.

રાજનાથના આશ્વાસનને ખેડૂતોએ ફગાવી દીધું, આંદોલન નહીં રોકાય

દેશના પાટનગરમાં મંગળવારે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા હજારો ખેડૂતોને રોકવામાં આવ્યા હતા અને તેમની માગો પર વિચારણા કરી કામ કરવામાં આવશે. પરંતુ ખેડૂતો કેન્દ્ર સરકારના આશ્વાસનથી સંતુષ્ટ થયા ન હતા અને કહ્યું હતું કે, આંદોલન ચાલુ રહેશે. આશરે ૩૦,૦૦૦ જેટલા ખેડૂતો દિલ્હીના કિસાન ઘાટ ખાતે પહોંચવાના હતા પણ તેમને દિલ્હી-યુપીની સરહદે જ રોકી લેવાયા હતા. ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ ટ્રેકટરોથી બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને વિખેરવા માટે લાઠીચાર્જ, ટીયરગેસના શેલ અને પાણીના મારાનો સહારો લીધો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે, ખેડૂતોનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહને મળ્યું છે અને તેમની માગો મુકી છે તથા મોટાભાગના મુદ્દાઓ પર સમાધાન થઇ જશે. બીજી તરફ ખેડૂતોની રેલીની આગેવાની કરનારા સંગઠન ભારતીય કિસાન યુનિયને કહ્યું છે કે, સ્વામીનાથન પંચની ભલામણોનો સંપૂર્ણ અમલ અને ખેડૂતોની સંપૂર્ણ દેવામાફી તથા લઘુત્તમ ટેકાના ભાવો અંગે કોઇ સમાધાન થયું નથી. તેથી આ આંદોલન ચાલુ રહેશે. આ દરમિયાન દિલ્હીની સરહદે પોલીસ અને હજારો ખેડૂતો આમને-સામને છે અને રાજ્યોની સરહદે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે.