અમદાવાદ, તા.૩
રાજ્ય સરકારે હલકી ગુણવત્તાના કે અનધિકૃત એવા બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી ખેડૂતોને રક્ષણ મળે તે માટે સઘન પગલાં ભરી રાજ્યભરમાં ગુણવત્તા ચકાસણી માટે ઝુંબેશ શરૂ કરી છે, તેમ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું
રાજ્ય સરકાર ખેડૂતોની સુરક્ષાને ધ્યાને લઇ આવા હલકી કક્ષાના બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓનું ઉત્પાદન કે વેચાણ કરનારાને ખુલ્લા પાડી તેમની સામે જરૂર પડ્યે પોલીસ કાર્યવાહી પણ કરતા અચકાશે નહીં તેમ પણ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું, તેમણે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રજ્યભરમાં ૩૩ જિલ્લાઓમાં સઘન ચકાસણી કરવા કુલ ૩૭ ટીમોની રચના કરી હતી આ સ્કવોર્ડ દ્વારા બિયારણ, રાસાણિયક ખાતર અને જંતુનાશક દવાઓના મળી ૯૩ ઉત્પાદકો અને ૨૯૨૩ વિક્રેતાઓની સઘન ચકાસણી કરવામાં આવી છે અને શંકાસ્પદ જણાતા ૫૦૯ નમૂનાઓ મેળવી તેને પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. આ ચકાસણી દરમિયાન અંદાજે રૂા. ૮૫૪ લાખની કિંમતનો ૧૦,૧૯૮ ક્વિન્ટલ જથ્થો અટકાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તપાસ દરમિયાન વિવિધ કાયદાના ભંગ બદલ ૧૨૨૪ જેટલા ડીલરોને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ચકાસણી ઝુંબેશ દરમિયાન હલકી ગુણવત્તા અને બિન અધિકૃત વેચાણ- ઉત્પાદન સંદર્ભે અને વિવિધ કાયદાના ભંગ બદલ બિયારણના ૭ કિસ્સામાં, રાસાયણિક ખાતરના ૩ કિસ્સામાં અને જંતુનાશક દવાના ૨ કિસ્સા મળી કુલ ૧૨ કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે રાસાયણિક ખાતરના ૧ કિસ્સામાં પોલીસ ફરીયાદની કાર્યવાહી ચાલુ છે.