(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૧
દિલ્હીના ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના પ્રવકતા તેજિંદરપાલસિંહ બગ્ગાએ બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા તેમજ નિર્દેશક અનુરાગ કશ્યપ પર વેબ સીરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ દ્વારા શીખોની લાગણીઓ દુભાવવાનો આરોપ મૂકતા મંગળવારે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. તેજિંદરપાલસિંહ બગ્ગાએ કહ્યું કે, શીખોની લાગણીઓ દુભાવવા અને શીખ કકારનું અપમાન કરવા બદલ મેં સેક્રેડ ગેમ્સના નિર્દેશક અનુરાગ કશ્યપની વિરૂદ્ધ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. વેબ સીરિઝના એક દૃશ્યમાં શીખની ભૂમિકા ભજવી રહેલા સૈફઅલીખાનને પોતાનું કડુ ફેંકતા દર્શાવવામાં આવ્યા છે કે જે શીખોના પવિત્ર પાંચ કકારમાંનું એક છે. કકાર એ એક ધાર્મિક ચિહ્ન છે કે જેમાં કેશ, કાંસકો, કડુ, કચ્છા (આંતર વસ્ત્ર) અને કિરપાણ સામેલ છે. બગ્ગા ઉપરાંત દિલ્હીના રાજૌરી ગાર્ડનના ભાજપાના ધારાસભ્ય મનજિંદરસિંહ સિરસાએ પણ અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશિત વેબ સીરિઝ દ્વારા હિન્દુઓ અને શીખોની લાગણીઓ દુભાવવાનો આરોપ મૂકયો છે. સમાચાર મુજબ તેમણે સેક્રેડ ગેમ્સ અંગે સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં પણ તેની ફરિયાદ કરી છે. આ કેસમાં ફિલ્મ નિર્માતા તેમજ નિર્દેશક અનુરાગ કશ્યપ દ્વારા હાલ તો કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.