(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
ખેડૂતના સાહસ માટે શરૂ કરાયેલી ખેડૂત આઇ પોર્ટલ સેવાના માધ્યમથી ખેડૂતોને લૂંટવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જૂનાગઢની ખેડૂત સંઘ દ્વારા પોર્ટલ પર નાણા ભરીને સહાય આપવાની ભલામણ વાતો ખેડૂતોને કરી હતી. જિલ્લા પંચાયતના ખેતવાડી વિભાગને આ અંગે સભ્ય દર્શન નાયક દ્વારા રજૂઆત કરવામાં આવતા કોઇ નાણાં ભરીને સહાય આપવામાં આપવામાં આવતી ન હોવાની સ્પષ્ટતા અધિકારીઓ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ખેતી સંઘ જુનાગઢ નામની સંસ્થા સંચાલકોએ ઓલપાડ વિસ્તારના ખેડૂતોને લોભામણી લાલચ બતાવી રૂપિયા ૧૫૦૦ ભરીને યોજનાનો લાભ લેવાના નામે ગોરખ ધંધા શરૂ કર્યા હતા. ખેડૂતોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆત ઓલપાડ તાલુકાના ખેડૂતોએ જિલ્લા પંચાયતના કઠોરના સદસ્ય દર્શન નાયકને કરી હતી. આ અંગે દર્શન નાયકે સુરત જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના અધિકારીને જાણ કરી હતી. એટલું જ નહીં સરકારની આવી કોઇ યોજના છે કે કેમ તેની માહિતી પણ મેળવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારીએ આ અંગેની સત્તાવાર રીતે યાદી જાહેર કરી આવી કોઇ યોજના અમલીકરણમાં નથી એવું જણાવ્યું હતું. આ સાથે ખેડૂત સંઘ જૂનાગઢ નામની સંસ્થા દ્વારા ખેડૂતોને પંદરસો રૂપિયા ભરો અને યોજનાનો લાભ લો એવી કોઇ યોજના જ નથી. ખેડૂતોએ આવી સંસ્થાઓથી છેતરાવું નહીં એવી સત્તાવાર યાદી સાથે સ્પષ્ટીકરણ કરવાની ફરજ પડી હતી. આ અંગે દર્શન નાયકે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતમાં કાર્યરત ઇ-ગ્રામ યોજના હેઠળ આઇ કિસાન પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે અને આત્મા પ્રોજેક્ટ મારફતે કિસાનોને મદદ કરતા ખેડૂત મિત્રોની સાથે ઓનલાઇન નોંધણી કરવાની હોય છે. જેમાં જરૂરી દસ્તાવેજ અને ખેડૂતે અંગુઠાના નિશાન આપ્યા બાદ ઓનલાઇન બંનેની નિશાની મળ્યા બાદ ખેડૂત નોંધણી પત્ર લઇને જે તે તાલુકા મથકોએ ફોર્મ રજૂ કરતા તેની યોજનાકીય સહાયની મંજૂરી મળતી છે. જેથી ખેડૂત લાભાર્થીઓને ફેરા ફોગટ ન જાય અને અન્યના નામે મળતી સહાય ચાઉ કરી ન જાય દર્શન નાયક દ્વારા સંસ્થા સામે તપાસ કરાવી પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ જિલ્લા ખેતીવાડી અધિકારીને સમક્ષ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.