(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
ગુજરાતમાં અફઘાન આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતી વચ્ચે સુરત જિલ્લામાં બે અફઘાન આતંકીઓ એસ.ટી. બસમાં મુસાફરી કરતા હોવાની બાતમીના આધારે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જો કે જિલ્લા પોલીસની તપાસમાં આ બંને વ્યક્તિઓ નવસારી કૃષિ યુનિવર્સિટી કોલેજના વિદ્યાર્થી હોવાનું ખુલ્યું હતું.
સમગ્ર ભારતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ આતંકી હુમલાને લઈને ઈનપુટ આપવામાં આવ્યા હતા. ત્યારે હવે ગુજરાત પોલીસ વધુ સતર્ક બની છે. ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડ તરફથી ગુજરાત પોલીસને ફેક્સ મેસેજ પગલે ચાર અફઘાન આંતકીઓ ભારતમાં ઘૂસ્યા હોવાના ઈનપુટ આપવામાં આવ્યા છે. તે વચ્ચે સુરત જિલ્લામાં આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતીના પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. સુરત ગ્રામ્ય પોલીસને ટેલીફોન મારફતે સુરત જિલ્લાના મહુવા તાલુકાના એક રહીશે ફરિયાદ કરી હતી કે સુરત ગ્રામ્ય પોલીસ ગઈ કાલે બરોડાથી એસ.ટી. બસમાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની બાજુમાં બે શખ્સો હતા. આ બંને શખ્સો એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડ દ્વારા આંતકીઓના સ્કેચ બહાર પાડવામાં આવ્યા છે તેવા દેખાતા હતા. જેથી મહુવાના રહીશે તેમની સાથે વાતચીત કરતા તેઓએ અફઘાનિસ્તાનના હોવાનું જણાવ્યું હતું. તેમની પાસે વિદેશી ચલણ વધારે હતું અને નવસારીની ટીકીટ લીધી હોવાથી તેઓ નવસારીમાં ઉતરી ગયા હતા. આ માહિતીના આધારે સુરત જિલ્લા પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ સહિતની ટીમો દોડતી થઈ હતી. દરમિયાન આ અંગે સુરત જિલ્લા એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. પી.એન. જીંજુવાડિયાએ જણાવ્યું હતું કે આ બંને શખ્સો વેરિફાઈ થઈ ગયા છે આ બંને નવસારીના કૃષિ યુનિવર્સિટી કોલેજના વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ નવસારી પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી છે.