(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
જેએનયુમાં વિદ્યાર્થીઓ ઉપર હુમલાની ઘટનાના વિરોધમાં મંગળવારે અમદાવાદમાં NSUIના કાર્યકરો ABVPના કાર્યાલયનો ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે જ પોલીસ અને મીડિયાની હાજરીમા ABVPના કાર્યકરોએ લાકડી ડંડા વડે એનએસયુઆઈના કાર્યકર્તાઓ ઉપર હુમલો કરતા મામલો બિચક્યો હતો. ગંભીર બનાવ સમયે પોલીસની નિષ્ક્રિય કામગીરી ઊડીને આંખે વળગી હતી ત્યારે ઘટનામાં પોલીસે જાણે ભાજપના યુવા મોર્ચાના નેતાઓને બચાવવા મહેનત કરી રહી હોય તેમ ઘટનાના બીજા દિવસે ફરિયાદ નોંધી છે. તેમાં પણ સામ સામે ફરિયાદ નોંધવાને બદલે પોલીસ પોતે જ ફરિયાદી બનીને બંને પક્ષો સામે ફરિયાદ નોંધી છે. જેથી પોલીસની નિષ્ક્રિતાનો ફરિયાદમાં ઉલ્લેખ થાય જ નહીં. તેમજ ભાજપના નેતાઓને પણ બચાવી શકાય.
અમદાવાદના પાલડી વિસ્તારમાં મંગળવારે ABVPના કાર્યકર્તાઓ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓ ઉપર હુમલાની ઘટનામાં એનએસયુઆઈના મહામંત્રી નિખિલ સવાણીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જો કે ભાજપના યુવા મોર્ચાના ઋત્વિજ પટેલ અને પ્રદિપ વાઘેલાની હાજરીમાં આ ગંભીર ઘટના બની હતી. ત્યારે મંગળવારે બપોરે ઘટના બની હોવા છતાં માડી રાત સુધી પોલીસે ફરિયાદ નોંધી નહી. જ્યારે બુધવારે આ મામલે પાલડી પોલીસે ફરિયાદ નોંધી હોવાનું જાહેર કર્યું હતું. ફરિયાદમાં ખુદ પાલડી પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.એસ. રબારી જ ફરિયાદી બન્યા છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, દિલ્હીમાં જેએનયુની ઘટનાના વિરોધમાં એનએેસયુઆઈના ર૦થી રપ જેટલા કાર્યકરો પાલડીમાં આવેલા ABVPના કાર્યાલયનો ઘેરાવ કરવા મંજૂરી વિના લાકડી-ડંડા અને પાઈપો લઈને એનઆઈડીથી પાલડી ચાર રસ્તા તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં રમેશ કોર્પોરેશનના શો રૂમ નજીક જાહેર રોડ ઉપર આવતા જ સામેથી ABVPના ર૦થી રપ જેટલા કાર્યકરોએ પણ હાથમાં લાકડી-ડંડા અને પાઈપો લઈને આવ્યા હતા. ત્યારે બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. ત્યારે પોલીસે જરૂરી લાઠીચાર્જ કરીને બંને પક્ષોને છૂટા પાડ્યા હતા. દરમ્યાન બંને પક્ષોના ટોળાએ એનઆઈડીથી પાલડી તરફ આવતા વાહનોને રોકવાની કોશિશ કરી પાલડી ચાર રસ્તા સુધી હલ્લાબોલ કર્યો હતો. જેથી તેઓને ખસેડવા માટે ફરી લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં બંને પક્ષો વચ્ચેની મારામારીમાં બંને પક્ષોના કાર્યકરોને ઈજા થઈ હતી. આમ બંને પક્ષોએ જાહેરનામાનો ભંગ કર્યો છે. ત્યારે તમામ બંને પક્ષના શખ્સો વિરૂદ્ધ આઈપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૮, ૩ર૪, ૩ર૩, અને જીપીએ-૧૩પ(૧)ની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભાજપના નેતાઓને બચાવવા અને પોતાની નિષ્ક્રિયતા છૂપાવવા પોલીસ જ ‘ફરિયાદી’ બની

Recent Comments