શહેરનાં દિવાળીપુરા સ્થિત નવી કોર્ટ બિલ્ડીંગ ખાતે મુખ્ય દરવાજાથી ૫૦૦ મીટર દુર મુકાયેલા બેરીકેડને કારણે એમ્બ્યુલન્સ કોર્ટ સુધી પહોંચી નહીં શકતા હાર્ટ એટેક આવેલ એ.એસ.આઇ. અરવિંદભાઇનું સમયસર સારવાર ન મળતાં મોત નિપજ્યું હતું. તસવીરમાં હાર્ટ એટેક આવતા તેમને પ્રાથમિક સારવાર આપી રહેલાં વકીલો જ્યારે અન્ય તસવીરમાં કોર્ટ સંકુલની મુખ્ય દરવાજા પાસે મુકવામાં આવેલ બેરીકેડ દ્રશ્યમાન થાય છે.

(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૨૨
શહેરનાં દિવાળીપુરા સ્થિત નવી કોર્ટ બિલ્ડીંગમાં ફરજ બજાવતા પોલીસ જવાન એ.એસ.આઇ.નું ફરજ પર હાર્ટ એટેક આવતા ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પરંતુ કોર્ટનાં રસ્તા પર મુકાયેલા બેરીકેડનાં કારણે એમ્બ્યુલન્સ સમયસર કોર્ટ સંકુલ સુધી ન પહોંચતા પોલીસ જવાનનું મોત નિપજતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરનાં જવાહરનગર પોલીસ મથકમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા અરવિંદભાઇ અંબાલાલભાઇની ફરજ નવી કોર્ટ બિલ્ડીંગ ખાતે હતી. આજે તેઓ કોર્ટમાં ફરજ પર હાજર હતા તે સમયે અચાનક તેમને છાતીમાં દુઃખાવો ઉપડતા આસપાસનાં વકીલો તથા અન્ય લોકો દોડી આવ્યા હતા. હાર્ટ એટેક આવ્યો હોવાનું લાગતા તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરવામાં આવી હતી. જ્યારે વકીલોએ એમ્બ્યુલન્સ આવે તે પૂર્વે અરવિંદભાઇને સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું. થોડી મિનીટોમાં એમ્બ્યુલન્સ કોર્ટ સંકુલ બહાર પહોંચી ગઇ હતી. પરંતુ કોર્ટનાં દરવાજાથી થોડા અંતરે મુકવામાં આવેલા બેરીકેડનાં કારણે એમ્બ્યુલન્સ કોર્ટનાં મુખ્ય દરવાજા સુધી પહોંચી શકી ન હતી.જેના પગલે એ.એસ.આઇ. અરવિંદભાઇને સ્ટ્રેચરમાં કોર્ટથી મુખ્ય દરવાજા સુધી એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ સમયસર સારવાર ન મળતાં અરવિંદભાઇનું મોત નિપજ્યું હતું. જો કોર્ટના મુખ્ય દરવાજા પાસે બેરીકેડ મુકવામાં ન આવ્યા હોત તો, કદાચ અરવિંદભાઇને સમયસર સારવાર મળતા તેમનો જીવ બચી ગયો હોત તેમ હાજર લોકોએ જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બનાવને પગલે કોર્ટ સંકુલમાં તેમજ પોલીસબેડામાં ગમગીની છવાઇ ગઇ હતી.