(સંવાદદાતા દ્વારા) અમરેલી,તા.૧૪
અમરેલી જિલ્લાના લાઠી ગામે મંગળવાર રાત્રીના જાલીનોટોમાં અગાવ પકડાયેલ આરોપીના ઘરે ફરી વખત નકલી નોટો છાપવાનું મશીન હોવાની બાતમીના આધારે તપાસમાં ગયેલ પોલીસ ઉપર ૧૫૦ લોકોના ટોળાએ હુમલો કરવાનો બનાવ બનેલ હતો. તે બનાવના ૨૪ કલાક પણ વીત્યા ના હતા ત્યાં અમરેલી તાલુકા પોલીસમાં પોલીસ કોસ્ટેબલ તરીકે નોકરી કરતા વરજાંગભાઇ રામભાઈ મુળાસીયા તેમજ સલીમભાઇ હનીફભાઇ ભટ્ટી બંને પોલીસ કર્મચારીઓ સાંજના સમયે ચિતલ તરફ પેટ્રોલિંગમાં ગયેલ હતા. સાંજના ૬થી ૬ઃ૩૦ દરમ્યાન નાના આંકડિયાથી રીકડીયા થઇ ચિતલ આવેલ અને ત્યાંથી મોણપુર જઈ રહયા હતા ત્યારે તળાવના ખારા પાસે પહોંચતા સામેથી એક બાઇકમાં ડબલ સવાર ચાલાક આવી રહ્યા હતા. જેમાં પાછળ બેસેલ ઈસમ પાસે પ્લાસટીકની સિમેન્ટની થેલીમાં કંઈક ભરેલ હોઈ જેથી બને ઈસમોને રોકી ચેક કરતા ૭૫૦ એમએલની વિદેશી દારૂ બોટલ નંગ-૨૪ મળી આવતા વરજાંગભાઇ અને સલીમભાઇ બંને એ આરોપીના નામ પૂછતાં (૧)રાહુલ હસુભાઈ સોંધરવા તેમજ (૨) અરવિંદ ધીરભાઈ પરમાર હોવાનું જાણવા મળેલ જેથી બંનેને પકડી પોતાના કબ્જામા રાખી તાલુકા પીએસઆઇને ફોન કરી ઘટના સ્થળે આવવાનું કહેલ. દરમ્યાન આરોપી સાથે પોલીસ વાહનની રાહ જોઈ રહ્યા હતા. તે દરમ્યાન મોણપુર ગામેથી પકડાયેલ બંને આરોપીના પરિવારના સાબુઓ ધીરુ દુદાભાઈ પરમાર, સંજય ધીરુભાઇ પરમાર તેમજ એક અજાણયા ઈસમ અને બે મહિલા કાજલબેન અરવિંદભાઈ અને શારદાબેન ધીરૂભાઇ સહિતના લોકોએ કુહાડી, લાકડી અને જેવા હથિયારો સાથે આવી બંને આરોપીઓ તેમજ દારૂ છોડાવા માટે પોલીસ ઉપર હુમલો કરેલ હતો. બંને પોલીસ કર્મચારી એ પ્રતિકાર કરતા ધીરૂભાઇ દુદાભાઈ પરમારે કુહાડી વતી વરજાંગભાઇ ઉપર હુમલો કરેલ અને મહિલાઓએ પથ્થરના છુટા ઘા કરતા બંને પોલીસ કર્મીને ઇજા થવા પમી હતી. જેમાં વરજાંગભાઈને માથામાં કુહાડી વાગતા કપાળના ભાગે આઠ ટાંકા આવેલ હતા. જ્યારે સલીમભાઈને પણ ઇજા થયેલ હતી બંને પોલીસ કર્મી ઉપર હુમલામા ઇજા થતા હોસ્પિટલમાં સારવારમાં ખસડેલ હતા અમરેલી તાલુકા પોલીસમાં ઉપરોક્ત ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કરેલ છે.