(એજન્સી) તા.૧૭
ટાટા ઇન્સ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીઝ (ટીઆઇએસએસ) મુંબઇના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સુધારેલા નાગરિકતા કાયદા સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને પોલીસ કાર્યવાહીથી ચૂપ કરી શકાશે નહીં. જો સરકાર એવું માનતી હોય કે જામીયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર લાઠીઓ વિંઝવાથી અન્ય સ્થળોએ આવા વિરોધ થતાં અટકી જશે તો સરકારની આ ભુભરેલી માન્યતા છે.
હવેથી જો દિલ્હીના વિદ્યાર્થીઓ પર પ્રહારો એ કાર્યવાહી થશે તો મુંબઇ પણ તેમના સમર્થનમાં અડીખમ ઊભુ થશે અને જો તેઓ અમને ચૂપ કરવાનો પ્રયત્ન કરશે તો કેરળના વિદ્યાર્થીઓ આંદોલન કરશે એવું ટીઆઇએસએસના વિદ્યાર્થી સંઘના પૂર્વ મહામંત્રી ફહદ અહમદે જણાવ્યું હતું. નાગરિકતા સુધારા કાયદા સામે વિરોધ દરમિયાન પોલીસ પાશવતાનો ભોગ બનેલા અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓના સમર્થનમાં ૩૦૦ જેટલા ટીસના વિદ્યાર્થીઓએ તેમના વર્ગોનો બહિષ્કાર કર્યો હતો અને લાંબી કૂચનું આયોજન કર્યુ હતું.
આ કૂચમાં ટીસના પ્રાધ્યાપકો પણ જોડાયાં હતા. કેમ્પસથી શરૂ થયેલી આ રેલી ચેમ્બુરમાં આંબેડકર ગાર્ડન ખાતે સમાપ્ત થઇ હતી. એક ફેકલ્ટી સભ્યએ જણાવ્યું હતું કે અમે વર્ગમાં બંધારણીય મૂલ્યો શીખવીએ છીએ. જ્યારે સરકાર દ્વારા આ મૂલ્યો સાથે બાંધછોડ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વિરોધ બદલ માર મારવામાં આવે ત્યારે અમારે પણ તેમની પડખે ઊભું રહેવું પડે છે.