(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૭
શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા નાનપુરાની મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડો. પ્રફુલ્લ દોશીએ કરેલા બળાત્કાર કેસમાં અઠવા પોલીસે આરોપી ડો. પ્રફુલ્લ દોશીને શોધી કાઢવા માટે સંભાવિત સ્થળોએ ઠેર-ઠેર દરોડા પાડ્યા હતા. જોકે આરોપી ડો. પ્રફુલ્લ દોશીના સગડ હજુ સુધી પોલીસને મળ્યા નથી. અઠવા પોલીસ ઉપર થયેલા ગંભીર આક્ષેપોને કારણે આજકાલમાં પો.કમિ. સતીષ શર્મા આ કેસની તપાસ ડીસીબી પોલીસને સુપરત કરે તેવી ચર્ચા ચાલી રહી છે. તેમજ અઠવા પોલીસની સામે ખાતાકીય પગલાં ભરાઈ તેવી શક્યતા છે. સંતાન પ્રાપ્તિ માટે આવતી મહિલા સાથે ડોક્ટર દ્વારા આચરાયેલા આ કૃત્યથી ચોમેર ફિટકાર વરસી રહ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીડિતાનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું છે. રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. પોલીસ દ્વારા સાંયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ધરપકડથી બચવા માટે ડો. પ્રફુલ્લ દોશી ભૂગર્ભમાં ભરાઈ ગયા છે અને કાનૂની સલાહ મેળવી રહ્યો છે.