(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
આ વર્ષે શ્રાવણ મહિનામાં અમુક કાવડિયાઓએ એવા તોફાનો મચાવ્યા છે કે મામલો સુપ્રીમકોર્ટ સુધી પહોંચ્યો છે અને સુપ્રીમકોર્ટે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાની વાતની ખૂબ જ ગંભીર નોંધ લીધી હતી. જજ ચંદ્રચૂડે કહ્યું અલ્હાબાદમાં નેશનલ હાઈવેને કાવડિયાઓએ બંધ કર્યો. સખ્ત શબ્દોમાં એમણે કહ્યું કે, તમે પોતાના ઘરો બાળી હીરો બની શકો છો. બીજાની સંપત્તિને બાળીને નહીં. કોર્ટે કહ્યું કે અમે કાયદામાં સુધારાની રાહ નહીં જોઈએ. અમે એની સામે સખ્ત કાર્યવાહી કરીશું. સુપ્રીમકોર્ટમાં કેન્દ્ર તરફે હાજર રહેલ એટર્ની જનરલે પણ કોર્ટ સાથે સહમતિ દર્શાવી. સુપ્રીમકોર્ટે પોલીસોને નિર્દેશો આપ્યા કે જે લોકોએ કાયદો હાથમાં લીધો છે એમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે. દેશમાં પ્રતિદિવસે રમખાણો થઈ રહ્યા છે. અમોએ વીડિયોમાં જોયું. કાવડિયાઓ કારને પલટાવી રહ્યા હતા. શું પગલાં લેવાયા ? પદ્માવત ફિલ્મને લઈ તોફાનો કરાયા, ફિલ્મની હીરોઈનને નાક કાપવાની ધમકી અપાઈ, શું કાર્યવાહી થઈ ? મરાઠા અનામત અને એસસી/એસટી કાયદાને લઈ હિંસા થઈ, શું એ બધામાં કાર્યવાહી થઈ ? અમારે જવાબદારી નિર્ધારિત કરવી પડશે. સુપ્રીમકોર્ટે કોડુંગલૌર ફિલ્મ સોસાયટી દ્વારા દાખલ કરાયેલ અરજી ઉપર સુનાવણી કરી રહી હતી જેમાં અમુક સંગઠનો ફિલ્મ ઉપર પ્રતિબંધની માગણી, ધાર્મિક મુદ્દાઓ, રાજકીય મુદ્દાઓને લઈ પ્રદર્શનો અને ધરણાંઓ યોજે છે જેમાં જાહેર મિલકતને નુકસાન પહોંચાડવામાં આવે છે. એમની સામે પગલાં લેવા માગણી કરી હતી.
તોડફોડ કરતા, કાયદો હાથમાં લેનાર કાવડિયાઓ સામે પગલા લો : સુપ્રીમ કોર્ટે પોલીસને નિર્દેશો આપ્યા

Recent Comments