(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૧
વડોદરા શહેર નજીકનાં નેશનલ હાઇવે નં.૮ પર તક્ષ ગેલેરી મોલમાં બે શંકમંદોની હિલચાલ તેમજ મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવા આતંકવાદીઓ ભારતમાં ઘુસણખોરી કરી રહ્યાં હોવાની આઇ.બી. રીપોર્ટ બાદ વડોદરાથી નવસારી જતી એસ.ટી. બસમાં બે શંકાસ્પદ અફઘાની યુવાનો દેખાયા હોવાનો મેસેજ મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. નવસારીમાં બંને શંકાસ્પદ યુવાનોને ઉતારી તપાસ કરતાં બંને અફઘાની વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતું. અને કોલેજમાં એડમીશન માટે આવ્યા હોવાનું બહાર આવતા પોલીસે રાહત અનુભવી હતી.
આતંકવાદીઓ ભારતમાં ઘુસ્યા હોવાનું સેન્ટ્રલ આઇ.બી.નો રીપોર્ટ આવતા દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. દરમ્યાન વડોદરા સેન્ટ્રલ એસ.ટી.ડેપોથી નવસારી જતી બસમાં બે અફઘાની યુવાનો શંકાસ્પદ હોવાનું મેસેજ પોલીસને મળતા પોલીસ દોડતી થઇ હતી. ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની ટીમો સક્રિય થઇ હતી. આ અંગે વડોદરા પોલીસે તાત્કાલીક સુરત અને નવસારી પોલીસને જાણ કરતાં ત્યાંની પોલીસ પણ એકશનમાં આવી ગઇ હતી. બસ નવસારી પહોંચતા પોલીસે બંને અફઘાની યુવાનોને ઉતારી પુછપરછ કરતાં બંને વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતું. તેમજ દિલ્હીથી ટ્રેનમાં વડોદરા આવી વડોદરાથી બસમાં બેસી નવસારી એંગ્રી કલ્ચર કોલેજમાં પ્રવેશ મેળવવા નિકળ્યા હોવાનું બંને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતાં બંને પાસે વેલીડ પાસપોર્ટ અને વિઝા મળી આવ્યા હતા. પોલીસે કોલેજમાં ક્રોસ ચેક કરતાં બંનેને કોલેજમાં એડમીશન મળ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. જેના પગલે પોલીસે રાહતનો દમ લીધો હતો.