(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
શહેરના ડિંડોલીની શૈલ સંજીવની હેલ્થકેરમાં થેરાપીની ટ્રિટમેન્ટ આવતી મહિલાઓને નિર્વસ્ત્ર કરી અસંખ્ય ક્લીપ બનાવવાની ચકચારિત ઘટનામાં ડીંડોલી પોલીસે આરોપી મોહંમદ બિલાલની સામાન્ય કલમ હેઠળ ધરપકડ કરી જામીન ઉપર છોડી મૂકવાના પ્રકરણમાં ડીંડોલી પોલીસની ભૂમિકા સામે લોકોમાં ભારે રોષ જોવા મળે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અત્યંત શરમજનક અને ચકચારિત કેસ હોવા છતાં પણ ડીંડોલી પોલીસે આરોપી બિલાલનો મોબાઈલ ફોન કે પછી સીસીટીવી કેમેરા, કોમ્યૂટર જપ્ત કરીને તપાસ કરવાને બદલે કુંડળીમાં ગોળ ભાંગ્યો હોવાનું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. ડીંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં અમો હજુ તપાસ કરી રહ્યાં છે. આ શૈલ સંજીવની હેલ્થકેરમાં વિકૃત થેરાપીસ્ટ બિલાલની છેડતીનો ભોગ બનેલી મહિલાઓને પોલીસ સ્ટેશનનો સંપર્ક સાંધવા પણ જાણકારી આપવામાં આવી છે.