અમદાવાદ, તા.૪
ગુજરાતના બનાસકાંઠામાં પૂરના લીધે સર્જાયેલી તબાહી બાદ શુક્રવારે પૂરગ્રસ્તોની મુલાકાતે આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીની કાર ઉપર પથ્થરમારો થતાં રાજકીય માહોલ ગરમાયો છેે. આ હુમલા અંગે પ્રતિક્રિયા આપતા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલે ટ્‌વીટર ઉપર ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, પોલીસની હાજરીમાં રાહુલ ગાંધીના કાફલા ઉપર હુમલો થયો તેને હું સખ્ત વખોડું છું. શું આ સરકારના સંયોગ વગર શક્ય છે ?? કહી સરકાર ઉપર ચાબખાં માર્યા હતા. વધુમાં અહમદ પટેલે ટ્‌વીટમાં જણાવ્યું હતું કે, એસપીજીના કમાન્ડર ઉપર હુમલો એ ભાજપની હતાશા અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં સરકારની સંપૂર્ણ નિષ્ફળતા જવાબદાર છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ પણ અહમદ પટેલે કરી હતી.
એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં અહમદ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ બોખલાઈ ગઈ છે. એટલે આવું કરી રહી છે. ગુજરાતમાં પૂર આવે તો તેની અગાઉની સરકારી તૈયારીઓ કરી ન હોવાને લીધે પૂરમાં જાનહાનિ અને માલહાનિ પણ વધારે થઈ છે. ત્યારે રાહુલ ગાંધી આ પૂરગ્રસ્તોની મુલાકાતે આવ્યા છે અને સરકારની આ બધી નિષ્ફળતાઓ ઉઘાડી પડી ન જાય એટલે ભાજપ બોખલાઈ ગઈ છે અને આવા હુમલા કરી રહી છે.