(સંવાદદાતા દ્વારા) ભાવનગર,તા.રર
મહુવા તાલુકાના ખરેડ ગામમાં રહેતા ખેડૂતે પોતાની વાડીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મૃતકના પરિવારજનો પોલીસ કાર્યવાહીથી ત્રાસી જઈ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરતા મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મહુવા તાલુકાના ખરેડ ગામમાં રહેતા જેન્તીભાઈ લાખાભાઈ બાંભણિયાના નાના ભાઈ કાનાભાઈ આજ ગામમાં રહેતા અને વાડીમાં સાથે ખેતીકામ કરતા મથુરભાઈ નાવજીભાઈ શિયાળની પુત્રીને દોઢ માસ પહેલાં ભગાડી જતા મથુરભાઈની ફરિયાદના આધારે મહુવા પોલીસ અવાર-નવાર પૂછપરછ માટે જેન્તીભાઈને બોલાવતી હોય અને તેના ભાઈને હાજર કરવા દબાણ કરતી હોય જેન્તીભાઈએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ ઘટનામાં મૃતકના પરિવારજનોએ પોલીસના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરતા મહુવા પોલીસે જેન્તીભાઈના મૃતદેહને ડોકટરોની પેનલ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવવા ભાવનગર હોસ્પિટલ ખસેડયો હતો. આ અંગે મૃતકના સંબંધી બાબુભાઈ બાંભણિયાએ માહિતી આપી હતી. આ ઘટનાની જાણ થતા મહુવા તથા ભાવનગર હોસ્પિટલ ખાતે કોળી સમાજના આગેવાનો દોડી ગયા હતા.