(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
જવાહરલાલ નહેરૂ યુનિ. (જેએનયુ)ના નેત્રહિન વિદ્યાર્થી શશી ભૂષણ પાંડે પર વિરોધ પ્રદર્શન દરમિયાન સંસદ ભવન તરફ જતી વખતે સોમવારે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંગળવારે તેણે દાવો કર્યો કે, પોલીસકર્મીઓએ તેને પૂછયું હતું કે, જો તે અંધ છે તો તે વિરોધ પ્રદર્શનમાં શા માટે જોડાયો ? ત્યારબાદ હવે નેશનલ પ્લેટફોર્મ ફોર ધ રાઈટ્સ ઓફ ડિસેબલ (એનપીઆરડી) અને જેએનયુ નેત્રહિન વિદ્યાર્થી મંચે પાંડે પર કરાયેલી પોલીસ કાર્યવાહીની નિંદા કરી છે. ઉલ્લેખનીય છે કે, જેએનયુના વિદ્યાર્થીઓ ફીમાં થયેલા વધારા મુદ્દે ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહ્યા છે. જેએનયુના સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સના સ્ટુડન્ટ યુનિયન કાઉન્સિલર શશી ભૂષણે જણાવ્યું કે, લાઠીચાર્જ દરમિયાન તે જમીન પર ઢળી પડયા હતા અને ત્યારે પોલીસે તેમને જૂના વડે છાતી પર માર માર્યો હતો. તેમણે જણાવ્યું કે, મેં તેમને જણાવ્યું હતું કે, હું નેત્રહિન છું, મેં તેમને ચશ્મા કાઢીને બતાવ્યું કે જેથી પોલીસકર્મીઓ સમજી જાય. પરંતુ તેઓ ન માન્યા અને મને મારતા રહ્યા. નેત્રહિન વિદ્યાર્થી શશી ભૂષણ પાંડેએ જેએનયુ વિદ્યાર્થી સંઘ (જેએનયુએસયુ) દ્વારા આયોજિત એક પત્રકાર પરિષદનું સંબોધન કરતાં કહ્યું કે, જ્યારે વિદ્યાર્થીઓનું ટોળું વિખેરાઈ રહ્યું હતું ત્યારે કોઈકે મને જણાવ્યું કે, સ્ટ્રીટ લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. કેટલાક મિત્રો મને એક તરફ લઈ જવા માટે મારી પાસે એકઠા થયા હતા. દરેકનું માનવું છે કે, હું ત્યારબાદ સુરક્ષિત રહીશ પરંતુ એવું નથી થયું. પાંડેને સોમવારે એમ્સના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો. તેણે જણાવ્યું હતું કે, મને લાકડીઓથી ફટકારવામાં આવ્યો જ્યારે મેં પોલીસકર્મીઓને જણાવ્યું કે, હું અંધ છું તો એક પોલીસ અધિકારીએ મને કહ્યું કે, જો તું અંધ છે તો વિરોધ માટે કેમ આવ્યો. હું વારંવાર કહેતો રહ્યો કે હું દૃષ્ટિહિન છું છતાંય મને માર મારવામાં આવ્યો. આ ઘટના અંગે એનપીઆરડીએ જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે.
પોલીસની ક્રૂર કાર્યવાહીમાં ઘાયલ થયેલાઓમાં નેત્રહીન વિદ્યાર્થી પણ સામેલ

Recent Comments