(એજન્સી) મૈનપુરી, તા.ર૮
ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં બે સગા ભાઈઓએ ત્રીજા ભાઈની મારપીટ કરીને હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાક્રમમાં માતાની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. અહેવાલ મુજબ રામનગર ગામમાં આંતરિક વિવાદને પગલે બે સગા ભાઈઓએ તેમના ત્રીજા ભાઈની લાકડીઓ અને ડંડા વડે માર મારીને હત્યા કરી દીધી હતી. આ હત્યામાં આરોપી દીકરાઓને સાથ આપવાનો માતા પર આરોપ છે. આ ઘટનાના બે દિવસ અગાઉ અંદરોઅંદર ઘઉં વહેંચણી મામલે ત્રણેય સગા ભાઈઓ વચ્ચે વિવાદ ઊભો થયો હતો. ત્યારબાદ પોલીસને પણ બોલાવવામાં આવી હતી. એ સમયે બે ભાઈઓએ પોલીસની સામે જ ત્રીજા ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી પરંતુ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી નહોતી અને ડરાવી ધમકાવીને મામલો થાળે પાડી દીધો હતો. શનિવારે ફરીથી એ જ ઘટનાના પરિણામ સ્વરૂપ પરિવારમાં ઝઘડો થયો અને બે ભાઈઓએ વચલા ભાઈને લાકડી અને ડંડાથી ઘા ઝીંકી તેની હત્યા નિપજાવી દીધી હતી ત્યારબાદ બન્ને ભાઈઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાક્રમમાં માતાની ભૂમિકા શંકાસ્પદ હોવાનો મૃતકની પત્નીએ આરોપ મૂકયો છે.