અમરેલી, તા.૧૮
ધારી તાલુકાના શેમરડી ગામે બે દિવસ પહેલા પોલીસ ઉપર હુમલો કરનાર આરોપીઓના સબંધીઓ તેમજ નિર્દોષ લોકોના આશરે ૨૫ થી ૩૦ ઘરોમાં ગઈકાલે પોલીસે આતંક મચાવી ઘરમાં ગેરકાયદેસર રીતે ઘુસી મહિલાઓ બાળકો અને પુરૂષો ઉપર લાકડીઓ વર્ષાવી ઘરવખરીની તોડફોડ કરી તેમજ વાહનોમાં નુકશાન કરી ઘરમાં ઘુસી કબાટમાંથી લૂંટ ચલાવી હોવાનો ગામના લોકોએ આક્ષેપ કરતા ચકચાર મચેલ છે રક્ષકો જ ભક્ષક બનતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચેલ છે.પોલીસે પ્રજાનું રક્ષણ કરવાના બદલે પોતેજ કાયદાનું ચીર હરણ કર્યું હતું. શેમરડી ગામે પોલીસ ઉપર હુમલો કરવાના બનાવમાં પાંચ આરોપીઓ પૈકી ૨ આરોપીઓની એ જ દિવસે ધરપકડ કરાઈ હતી અને આ કામના માત્ર ૩ આરોપીઓ જ બાકી હોઈ ત્યારે પોલીસે બીજા દિવસે શેમરડી ગામે જઈ કાયદાને હાથમાં લઇ ગુંડા તત્વો જેવું કામ કરતા પોલીસ ઉપર પણ લોકોમાં નફરતની આંધી ફેલાયેલ જોવા મળી રહી છે. પોલીસ ઉપર હુમલો કરનાર શખ્સોના પરિવાર અને ગામના અન્ય મકરાણી પરિવારનો શું વાંક હતો કે પોલીસે સમગ્ર મકરાણી પરિવારના લોકો ઉપર લાકડીઓ વીંઝી ઘરમાં નુકસાન કરી લૂંટ ચલાવી હતી.આ અંગે મળતી વિગતો અનુસાર ધારી તાલુકાના શેમરડી ગામે બે દિવસ પહેલા ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.વી. પટેલ અને પોલીસ સ્ટાફ એક અરજીના તપાસ અર્થે શેમરડી ગામે જતા ત્યાં અરજીમાં દર્શાવાયેલ પાંચ આરોપીઓ (૧) અજીત મહમદ બ્લોચ, (૨) હુશેન જહાંગીરભાઈ બ્લોચ, (૩) જાફર બારાન બ્લોચ, (૪) બારાન ઉમર બ્લોચ અને (૫) સિકંદર બારાન બ્લોચ, સહિતના આરોપીઓએ પીએસઆઇ એ.વી. પટેલ અને બે કોન્સ્ટેબલ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને છરી મારી એક કોસ્ટેબલને ગંભીર ઇજા પહોંચાડી હતી જેમાં મુખ્ય આરોપી જાફર બારાન અને બારાન ઉમરને તે જ દિવસે પોલીસે પકડી પાડ્યા હતા અને ત્રણ આરોપીઓ નાસી ગયેલ હતા. દરમ્યાન પોલીસે ઉપરોક્ત પાંચેય શખ્સો સામે ધારી પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.
ધારી પોલીસ ઉપર થયેલ હુમલાના બીજા જ દિવસે પોલીસની ૧૦થી ૧૨ ગાડીઓ શેમરડી ગામે ગઈ હતી અને પોલીસ ઉપર હુમલો કરનાર પાંચ આરોપીઓના પરિવારના સભ્યો સંબંધીઓ અને અન્ય નિર્દોષ લોકોના ઘરમાં ઘૂસી પોલીસે બેફામ રીતે મહિલાઓ અને બાળકો સહિત પુરૂષો ઉપર લાકડીઓ વરસાવી આતંક મચાવેલ હોવાનો આક્ષેપ ગામના લોકોએ કર્યો હતો અને ૨૫થી ૩૦ મકરાણી પરિવારના મકાનોમાં પોલીસે ગેરકાયદેસર ઘુસી ઘરનો માલસામાન ઘરવખરી જેવાકે ટીવી, ફ્રીઝ, કબાટ, ખુરશી, શોકેસ વગેરેની તોડોફોડ કરી હતી અને વાહનો કાર, બાઈક, તેમજ અન્ય વસ્તુઓમાં તોડફોડ કરી હતી અને મોટું નુકસાન કર્યું હતું પોલીસે મકરાણી પરિવારના ઘરના લાઈટ કનેક્શન પણ કપાવી નાખ્યા હતા અને અંધારમાં છેલ્લા ૨૪ કલાકથી વિતાવી રહ્યા છે. પોલીસે કાયદાનું રક્ષણ કરવાનું હોઈ છે ત્યારે પોલીસેજ આરોપીઓ જેવું વર્તન કરી કાયદાનું ચીર હરણ કરતા સમગ્ર જિલ્લામાં પોલીસ પ્રત્યેની કામગીરી સામે આંગળી ચીંધાઇ રહી છે.