(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૦
અમદાવાદમાં પાસના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથીરિયાની વર્ષ ૨૦૧૫ના રાજદ્રોહ ના કેસમાં ધરપકડ કરવામાં આવતાં તેના વિરોધમાં મોડીરાતે પાસના કાર્યકરો ભડકી ઉઠ્યા હતા અને બીઆરટીએસ ડેપોમાં તોડફોડ અને બીઆરટીએસ બસને ફૂંકી મારવામાં આવી હતી. જેથી વાતાવરણ તંગ બની ગયું હતું. હાલ સરથાણા પોલીસ દ્વારા ટોળાં સામે રાયોટિંગના બે અલગ અલગ ગુના નોંધાવામાં આવ્યા છે. જ્યારે વરાછા, પુણા, કાપોદ્રા અને સરથાણા વિસ્તારમાં સિટી બસ અને બીઆરટીએસ બંધ કરી દેવામાં આવી છે. એસટી રૂટને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સતત પાટીદાર વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.
સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથીરિયાની વર્ષ ૨૦૧૫ના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવતાં તેના વિરોધમાં મોડીરાત્રે ૧૦.૩૦ વાગે કાપોદ્રા શ્યામધામ ચોક સ્થિત બીઆરટીએસ બસ ડેપો પર ટોળા ઘૂસી ગયા હતા. જ્યાં બસ પર પથ્થરમારો કરીને તોડફોડ શરૂ કરી હતી. જેથી બીઆરટીએસ બસને નુકસાન ન થાય તે માટે સલામત સ્થળે લઇ જવામાં આવી રહી હતી. ત્યારે નજીકમાં રસ્તામાં બસ રોકી આગ ચાંપી દેવામાં આવી હતી. પુણા સીમાડા રોડ પર મહાલક્ષ્મી સોસાયટી પાસે એક કારમાં અટકાવીને કાચ તોડી નાંખ્યા હતા. યોગીચોરમાં ઠેર ઠેર રસ્તા પર ટાયર સળગાવી વિરોધ કર્યો હતો. મામલો તંગ બનતા વરાછા, કાપોદ્રા, સરથાણા, યોગીચોક, પુણા વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો. સરથાણા પોલીસ દ્વારા બે અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ૧૫ થી ૨૦ બાઇક પર આવેલા ૩૦ થી ૪૦ અજાણ્યા ઇસમો સામે રાયોટિંગના બે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં સરકારી સંપત્તિને નુકસાનને લઇને ગુના નોંધાવવામાં આવ્યો છે. મોડીરાતે યોગીચોક સ્થિત વનમાળી જંકશન સહિત બે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં તોડફોડ કરાઇ હતી. ઉપરાંત સીમાડામાં એક અને સ્વાગત સોસાયટીમાં એક બીઆરટીએસ બસ સ્ટેન્ડના કાચ ટોળા દ્વારા તોડી નાંખવામાં આવ્યા હતા. મોડીરાત્રે થયેલી ધમાલને પગલે સમગ્ર વરાછા, પુણા, કાપોદ્રા અને સરથાણા સહિત વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઆરપીના ૫૦ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યો છે. વરાછા, પુણા, કાપોદ્રા અને સરથાણાના અલગ અલગ વિસ્તારમાં એસઆરપીની અલગ અલગ ટીમો ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સરથાણા પોલીસે બે અલગ અલગ ગુના દાખલ કર્યા છે. જેમાં ૧૫ થી ૨૦ બાઇક પર આવેલા ૪૦ જેટલા અજાણ્યા ઇસમો જેમાં પાસના કન્વીનરો તથા કાર્યકર્તાઓ અને સમર્થકો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સરથાણા પોલીસે ગુનો દાખલ કર્યા બાદ મોડીરાત્રે શહેરની ક્રાઇમ બ્રાંચ પોલીસે ૨૦ જેટલા પાસના કાર્યકર્તા અને સમર્થકોની અટકાયત કરી હતી. જેના કારણે ફરીથી માહોલ તંગ ના બને તેની તકેધારી ભાગ રૂપે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વરાછા, કતારગામ અને પૂણા વિસ્તારના
રૂટ પર સિટી બસ-BRTS સેવા બંધ

અમદાવાદ ખાતે ગત રોજ હાર્દિક પટેલની અટકાયત થયા બાદ તેના ઘેરા પ્રત્યાઘાત સુરતના વરાછા વિસ્તારમાં પડ્યાં હતાં. ગત રોજ વરાછા રોડ મીની હીરા બજાર ખાતે પાસ કાર્યકરોએ દેખાવો કરીને સરકાર તેમજ પોલીસ વિરુદ્વ સૂત્રોચ્ચાર કરતા મામલો ગરમાયો હતો. ગઇકાલે રાત્રે પૂણા બીઆરટીએસ જંક્શન ખાતે બીઆરટીએસની એક બસને ટોળાએ સળાગવી દીધી હતી. તેમજ અન્ય એક બસના કાચ તોડી નાંખ્યા હતાં. તોફાની તત્વોની આ હરકતને પગલે આજે સવારથી જ શહેરના વરાછા, કતારગામ અને પૂણા વિસ્તારના રૂટ પર બીઆરટીએસ તેમજ સિટી બસસેવા બંધ કરી દેવામાં આવી છે. મુઠ્ઠીભર અસાંમાજીક તત્વોની હકકતોને કારણે શહેરના ૧૫ લાખ લોકોને ભારે મુશ્કેલીનો સમનો કરવાનો વાળો આવ્યો છે. સંખ્યાબંધ લોકોને પોતાના ધંધા રોજગારના સ્થળ પર પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે. હાલમાં વરાછા, એ. કે. રોડ, કતારગામ, પૂણા, કાપોદ્રા અને કામરેજ તરફ જતી સિટી બસ તેમજ બીઆરટીએસની બસ સેવા સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવી છે અને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહી થાય ત્યાં સુધી આ સેવાને પુનઃ શરૂ કરવામાં નહીં આવે એવું સૂત્રો જણાવી રહ્યાં છે.

આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં પાસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરશે : પાસ કન્વીનર

સરથાણા વિસ્તારમાં મોડીરાત્રે કેટલાક ઇસમો દ્વારા બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં તથા બસ ડેપોમાં તોડફોડ કરવાના મામલે તથા બીઆરટીએસ બસને આગ ચાંપી દેવાના મામલે સરથાણા પોલીસે બે અલગ અલગ ગુના દાખલ કર્યા હતા. ગુના નોંધાતા શહેરની ક્રાઇમ બ્રાંચે શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોની શોધખોળ શરૂ કરી હતી. મોડીરાત્રે ક્રાઇમ બ્રાંચ પોલીસે ૨૦ જેટલા પાસના કાર્યકર્તા અને સમર્થકોની અટકાયત કરી પોલીસે અટકાયતી પગલાં લીધા હતા. ડીસીબી પોલીસની આ કામગીરીના કારણે આખરે પાસના કન્વીનર ધાર્મિક માવલિયાએ સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો કર્યો હતો કે, જેમાં તેણે પોલીસને ચીમકી આપતા જણાવ્યું હતું કે, મોડીરાત્રે ક્રાઇમ બ્રાંચ પોલીસે ૨૦ યુવાનોની ધરપકડ કરી ક્રાઇમ બ્રાંચમાં બેસાડી રાખ્યાં છે. પોલીસ તંત્ર જ શાંતિ પૂર્ણ વાતાવરણ નથી ઇચ્છતું. તેણે પોલીસને ચીમકી આપી હતી કે, જો પોલીસ દ્વારા ખોટી રીતે કરવામાં આવતી હેરાનગતિ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્ય રાજ્યમાં કાર્યક્રમો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું પાસના કન્વીનર ધાર્મિક માવલિયાએ જણાવ્યું હતું.