(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૯
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાંથી ગુજરાત એટીએસએ આતંકવાદીને ઝડપી પાડયો છે. મુળ તામિલનાડુના આ યુવાન આઇ.એસ.આઇ.એસ. માટે કામ કરતો હોવાની પ્રાથમિક પુછપરછમાં પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સુત્રોથી પ્રાપ્ત થતી વિગત અનુસાર સિસ્ટર એજન્સી દ્વારા ઇનપુટ આપવામાં આવેલ કે, તામિલનાડુના કુલ-૬ વ્યકિતઓ કે જેઓ પોતાના મુળ રહેઠાણથી ફરાર થઇ ગયેલા છે અને તેઓ સંવેદનશીલ હત્યાનાં ગુના સહિત વિવિધ ગુનાઓમાં સામેલ છે. તેઓ કોઇ અજાણ્યા મિશન માટે રાજ્ય બહાર ગયા છે.
આ ઇનપુટને આધારે એટીએસની ટીમે ટેકનીકલી તથા ગુપ્ત બાતમીદારોથી તપાસ કરાવતા ઇનપુટમાં જણાવેલ ૬ વ્યકિતઓ પૈકી એક વ્યકિત વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં હોવાનું માલુમ પડયું હતું. જેથી ગુજરાત એટીએસની ટીમ તથા વડોદરા શહેર પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી વડોદરાના ગોરવા વિસ્તારનાં પંચવટી સર્કલ પાસેથી આજે મળેલ ઇનપુટ પ્રમાણેનાં શખ્સને ઝડપી પાડયો હતો. તેનું નામ ઝાફરઅલી મોહંમદહલીક (રહે.૧૫-૧૬, રેડીયાર સ્ટ્રીટ, મેફપટ્ટમપક્કમ, નેલ્લીકુપ્પમ, જિ. કુડ્ડુલોર, તમીલનાડુ)નું હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસનું માણવું છે કે, ઝડપાયેલ શખ્સ ગુજરાતમાં પોતાનું નવું મોડયુલ ચાલું કરવા માટે આવ્યો હોવાનું મનાઇ રહ્યું છે. તામિલનાડુના તેમજ દિલ્હી સ્પેશ્યલ સેલનાં ગુનામાં આ શખ્સ સંડોવાયેલ હોવાનું જણાઇ આવેલ છે જેથી વધુ તપાસ માટે તેને દિલ્હી સ્પેશ્યલ સેલને સોપવામાં આવનાર છે.
વડોદરામાંથી તમિલનાડુનો શંકાસ્પદ આતંકવાદી પકડાયાનો પોલીસનો દાવો

Recent Comments