(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
જેએનયુમાં થયેલી હિંસા વિરૂદ્ધ વિદ્યાર્થીઓએ ગુરૂવારે સાંજે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી હતી જોકે, પોલીસ દ્વારા તેમને અધવચ્ચે જ અટકાવી દીધા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ઉપકુલપતિ જગદેશ કુમારને હટાવવાની માગ સાથે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવન તરફ જઇ રહ્યા હતા અને આંબેડકર ભવન પાસે હિરાસતમાં લેવાયા હતા. બીજી તરફ એચઆરડી મંત્રાલય અને જેએનયુ વિદ્યાર્થીઓની બેઠક પૂર્ણ થઇ હતી પરંતુ તેમાં કોઇ સમાધાનકારી નિર્ણય આવ્યો ન હતો. જેએનયુની વિદ્યાર્થી પ્રમુખ આઇશી ઘોષે કહ્યું હતું કે, જ્યાં કુલપતિ એમ જગદેશ કુમારને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઇપણ પ્રકારની વાત નહીં થાય અને મંત્રાલય વાત કરવા માગે તો યુનિવર્સિટી કેમ્પસમાં આવે. વીડિયો ફૂટેજમાં દેખાડાયું છે કે, સૂત્રોચ્ચારો કરતા વિદ્યાર્થીઓને બળજબરીથી ઢસડીને બસોમાં નાખવામાં આવ્યા હતા અને તેમને રોકવા માટે પોલીસ દ્વારા બેરિકેડ લગાવાયા હતા.
વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સભ્ય સમાજના જૂથો ઉપરાંત રાજકીય નેતાઓ સીતારામ યેચૂરી, ડી રાજા, પ્રકાશ કરાત, બ્રિન્દા કરાત અને શરદ યાદવ મંડી હાઉસથી બપોર બાદ રેલી શરૂ કરી હતી. તેમની યોજના એચઆરડી મંત્રાલયની ઓફિસ સુધી પહોંચવાની અને યુનિવર્સિટી કેમ્પસમાં રવિવારના ટોળા દ્વારા હુમલા તથા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના રાજીનામાની માગ સાથે આવેદનપત્ર આપવાની હતી. પણ એચઆરડી મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક બાદ જેએનયુની વિદ્યાર્થી સંઘની નેતા આઇશી ઘોષની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરીને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવાનું નક્કી કર્યું હતું. પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ ભવન જવાની મંજૂરી ના આપતા સૂત્રોચ્ચારો શરૂ થયા હતા. દિલ્હી પોલીસ મુર્દાબાદના નારા વચ્ચે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત શરૂ કરાઇ હતી. વિદ્યાર્થીઓને અટકાયતમાં લઇને તેમને કોનોટ પ્લેસ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ પ્રત્યે ઘેરા અવિશ્વાસની લાગણી બહાર આવી હતી. રવિવારના હુમલા અંગે દેખાવકારોએ જણાવ્યું હતું કે, બુકાનીધારી ગુંડાઓના આતંક વચ્ચે દિલ્હી પોલીસ મૂકપ્રેક્ષક બની રહી હતી, તેઓ લાકડીઓ, લોખંડના સળિયા તથા હથિયારો સાથે આવ્યા હતા અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની સાથે મારઝૂડ કરી હતી. આશરે ૧૯ જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા. આ અંગે તપાસ શરૂ કરાઇ હતી અને તેનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપવામાં આવશે. હુમલાનો વિરોધ દેશભરમાં થઇ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ જ નહીં પણ સભ્ય સમાજના લોકો પણ જોડાયા છે. સાથે જ બોલિવૂડનું પણ ભારે સમર્થન વિદ્યાર્થીઓને મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ રવિવારથી આ અંગે દેખાવ કરી રહ્યા છે અને આ વિરોધ હવે દેશની અન્ય યુનિવર્સિટીઓમાં પણ પહોંચી ગયો છે જેમ કે, આઇઆઇટી, આઇઆઇએમ અને કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજ તથા દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ યુનિવર્સિટીમાં પણ દેખાવો થઇ રહ્યા છે.