જૂનાગઢ, તા.૨
જૂનાગઢ શહેરમાં સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા બનાવમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ઉપર આઠ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વિક્રમસિંહે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, સમીર ડોસા (રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ) તથા બીજા સાત અજાણ્યા શખ્સો વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદી તથા સ્ટાફ દારૂ અંગેની હકીકતના આધારે તપાસની કામગીરી અને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સંજયનગર તરફ ગયેલા ત્યારે હુમલાનો બનાવ બનેલ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ચાર મોટરસાઈકલ ઉપર આઠ માણસો આવી ફરિયાદી તથા અન્ય મોટરસાઈકલ ઉપર જતા હતા તે વખતે ગેરકાયદેસર રીતે અવરોધ ઊભો કરી રોકાવી અને તેઓની કાયદેસરની ફરજમાં રૂકાવત કરી સમીર ડોસા તથા બીજા અજાણ્યા માણસોએ ફરિયાદીને ગાળો કાઢી, ઝાપટો મારી અને તેમની સાથે રહેલા અન્ય આરોપીઓએ જાનથી મારી નાખ્યાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે. વાઘેલા ચલાવી રહ્યા છે.