(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૬
ધોળકા તાલુકાના મોટી બોરૂ ગામના પાટિયે ધોલેરા-વટામણ હાઈવે પરથી પસાર થતાં વાહનોને ગેરકાયદે રોકી ચક્કાજામ કરી ટોળોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા અફરાતફરી મચી જવા પામી હતી. પથ્થરમારામાં અમદાવાદ જિલ્લાના એક એએસપી સહિતના પોલીસ કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. કોઠ પોલીસે રપ વ્યક્તિઓના નામ જોગ સહિત ૧પ૦ના ટોળા વિરૂદ્ધ ગુનો નોંધી ર૦ આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધોળકા તાલુકાના મોટી બોરૂ ગામમાં દેવીપૂજક સમાજના એક શખ્સના થયેલ શંકાસ્પદ મોત મામલે આરોપીઓની ધરપકડની માગણી સાથે મોટીબોરૂ ગામના દેવીપૂજક સમાજના સ્ત્રી-પુરૂષોનું ટોળું ગત સાંજે ધોલેરા-વટામણ હાઈવે પર ધસી જઈ અહીંથી પસાર થતાં વાહનોને બળજબરીપૂર્વક રોકી ચક્કાજામ કરી દીધો હતો. આ બનાવની જાણ થતાં જ ધોળકાના એડિશનલ સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં કોઈ પોલીસ મથક સહિતના પોલીસ મથકોનો કાફલો મોટી બોરૂ ઘટના સ્થળે ધસી ગયો હતો. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો તથા લાકડીઓ વડે હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી. પથ્થરમારામાં એએસપી મનોહરસિંહ જાડેજાને હાથ ઉપર ઈજા પહોંચી હતી. જ્યારે પો.કો. રણજીતસિંહને પગના ભાગે ઈજા પહોંચી હતી. અન્ય પોલીસ કર્મચારીઓને નજીવી ઈજાઓ પહોંચી છે. પોલીસ ઉપર ટોળાએ હુમલો કરતા પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટોળું વિખેરાતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. આ બનાવ સંદર્ભે કોઠ પોલીસ મથકના એએસઆઈ રમણભાઈએ નામ જોગ રપ આરોપીઓ સહિત બીજા આશરે ૧૦૦થી ૧પ૦ સ્ત્રી પુરૂષના ટોળા વિરૂદ્ધ કોઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી ર૦ આરોપીઓની તાબડતોબ ધરપકડ કરી લીધી છે. આ બનાવની વધુ તપાસ કોઠ પોલીસ મથકમાં મહિલા પીએસઆઈ એચ.વી. પટેલ ચલાવી રહ્યા છે.