અમદાવાદ,તા.૩૦
હાઇકોર્ટની સુચના બાદ શહેરમાં ટ્રાફિક નિયમનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેને પગલે પોલીસે રસ્તા પર આવેલા લારી-ગલ્લાને હટાવવા માટે લોકોને કહેવામાં આવે છે. પરંતુ શહેરીજનો પોલીસ પર દાદાગીરી કરી ધમકી આપી રહ્યા છે. જેમાં ક્યારેક હુમલો કરે છે તો ક્યારેક પોતાની ઓળખાણ ઉપર સુધી હોવાનો રૂઆબ કરે છે.
આ અંગે વિગતે વાત કરીએ તો પોલીસ કર્મીઓ ગુલબાઇ ટેકરા પર ગણપતિ બનાવનારા લોકોને રસ્તા પરથી વસ્તુઓ હટાવીને રસ્તો ખુલ્લો કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ પોલીસકર્મીઓની સામે સ્થાનિક લોકોએ હુમલો કરી દીધો હતો. જેમાં બે મહિલા અને બે પુરૂષોએ મળીને પોલીસકર્મીને દંડા વડે ફટકાર્યા હતા. ત્યાર બાદ હુમલોખોરો ફરાર થઇ ગયા હતા. આ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત કેટલાક શહેરીજનો રુઆબ બતાવીને ટ્રાફિક સમસ્યા હલ કરી રહેલા પોલીસનેને મોટી ઓળખાણ હોવાનું કહી ધમકાવી રહ્યા છે. ગઈકાલે સીજી રોડ પર એક શખ્સ પોતાની મર્સિડીઝ કાર લઇને પહોંચ્યો ત્યારે પોલીસકર્મીએ તેને કાર પાર્ક કરવા માટે કહ્યું હતું. પોલીસની આ સાંભળીને તે શખ્સે પોલીસ કર્મીને કહ્યું કે તું મને ઓળખતો નથી. હું કોણ છું મારી ગાડી અહીંયાથી નહીં હટે તમારાથી થાય તે કરી લો. કહીને પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે કાયદેરસની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કાર કબજે કરી આરોપી મહાવીર કુમાર કાંકરીયાની સામે કાર્યવાહી હાથ ધરી છે.