(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
દિલ્હી પછી હવે ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં કાંવડિયાઓએ ભારે ધાંધલ-ધમાલ કરી છે. બુલંદશહરમાં નજીવી વાત પર ભડકી ગેયલા કાંવડિયાઓએ પોલીસના વાહનોની તોડફોડ કરવાની સાથે ઘણી મિલકતોનું પણ નુકસાન કર્યું છે. કાંવડિયાઓએ હાથોમાં ડંડા લઇને પોલીસ પર હુમલો કરી દીધો હતો અને ઘણા વાહનોની તોડફોડ કરી હતી. તોફાને ચડેલા કાંવડિયાઓને હિંસા કરતા રોકવા ગયેલી પોલીસ પર પણ કાંવડિયાઓ તૂટી પડ્યા હતા. એક વીડિયોમાં ૫૦-૬૦ કાંવડિયાઓને પોલીસના વાહન પર હુમલો કરતા જોઇ શકાય છે. કાંવડિયાઓના હુમલામાં ઘણા લોકો ઘવાયા હોવાના અહેવાલો છે. ઘટનાસ્થળે ભારે સંખ્યામાં પોલીસ દળોને તૈનાત કરાયા છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં હિંસક કાંવડિયાઓને જોઇ શકાય છે તેમ છતાં પોલીસ અજ્ઞાત લોકો સામે કેસ નોંધ્યો છે.
એક અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે, બુલંદશહરના બુગરાસી નરસેના પોલીસ મથકના સ્ટેશન ઓફિસર (એસઓ) અનિલ કુમારે જણાવ્યું કે, પપ્પુ નામનો એક શખ્સ તેના મામાના ઘરે રહે છે. જૂની અંગત અદાવતના સંદર્ભમાં અન્ય એક જૂથ સાથે પપ્પુનો ઝઘડો થયો હતો. પપ્પુએ તેની હિમાયત કરવા માટે તેના કાંવડિયા મિત્રોને બોલાવી લીધા હતા. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચતાની સાથે જ પપ્પુ અને તેના કાંવડિયા મિત્રોએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. સ્ટેશન ઓફિસરે જણાવ્યું કે, પોલીસ વાહનની તોડફોડ કરવા બદલ પપ્પુ સહિત આઠ ઓળખી પડાયેલા તોફાની તત્ત્વો અને અન્ય ૫૦ અજ્ઞાત કાંવડિયાઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરી દેવાઇ છે. પોલીસ આરોપીઓને શોધી રહી છે. નોંધનીય છે કે, દિલ્હીના મોતીનગર વિસ્તારમાં ગઇકાલે બુધવારે કાંવડિયાઓની ગુંડાગર્દી જોવા મળી હતી. સાંજે પાંચ વાગે કાંવડિયાઓએ વિસ્તારમાં એક કારમાં ભારે તોડફોડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, મોતીનગર વિસ્તારમાં એક કાંવડિયાને કાર જરાક ટચ થઇ ગઇ હતી ત્યાર પછી તો આસપાસ ઉપસ્થિત કાંવડિયાઓએ કારમાં ભારે તોડફોડ કરી હતી. એટલું જ નહીં, કાંવડિયાઓના ટોળાએ એક પછી એક ઘણી કાર પર લાઠીઓથી ભારે તોડફોડ કરી હતી. કાંવડિયાઓ દ્વારા વાહનોની તોડફોડ કરવામાં આવી રહી હતી ત્યારે ગાડીમાં એક યુવક અને યુવતી હતા. કાંવડિયાઓના હુમલા બાદ ગમે તેમ કરીને બંને જણાં કારમાંથી ભારે મુશ્કેલીથી બહાર નીકળી શક્યા હતા. એટલું જ નહીં કારમાં તોડફોડ કર્યા બાદ પણ કાંવડિયાઓનો ગુસ્સો શાંત ન થયો હતો તેઓએ કાર ઉંધી કરી નાંખી હતી.