શાહેઆલમ રેલી
અમદાવાદ શાહેઆલમ વિસ્તારમાં મંજૂરી વિના કાઢેલી રેલીને અટકાવતાં પોલીસ પર ટોળાના પથ્થરમારામાં અનેક ઘાયલ
રખિયાલ રેલી
સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એકટ (સીએએ) અને એનઆરસીના વિરોધમાં દેશભરમાં થઈ રહેલા ઉગ્ર પ્રદર્શનોમાં ગુજરાત પણ જોડાયું છે અને રાજ્યમાં ઠેર-ઠેર રેલી, ધરણાં, દેખાવો સહિત વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. આજ સંદર્ભે ગુરૂવારના રોજ અલ્પસંખ્યક નાગરિક અધિકાર મંચ દ્વારા અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ આ બંધને રાજ્યના અન્ય શહેરોના લોકોએ પણ ટેકો આપી બંધમાં જોડાયા હતા. અમદાવાદ શહેરમાં શાહેઆલમ વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. જો કે, રેલીને પોલીસની મંજૂરી ન હોવાથી પોલીસે અટકાયત શરૂ કરી હતી જેમાં કેટલાક તોફાની તત્ત્વોએ પોલીસ પર પથ્થરમારો કરતાં ડઝનથી વધુ જવાનોને ઈજા પહોંચી હતી. બીજી તરફ અમદાવાદના રખિયાલ કલંદરી મસ્જિદ વિસ્તારમાં પણ હજારોની સંખ્યામાં લોકોએ એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. (તસવીરો : રફીક શેખ)
અમદાવાદ, તા.૧૯
નાગરિક સંશોધન કાયદાના (CAA) વિરોધમાં અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. જેમાં શાહેઆલમ વિસ્તારમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની અટકાયત કરતા મામલો બિચક્યો હતો. જેમાં પોલીસ અને લોકોના ટોળા વચ્ચે ઘર્ષણ થતા કેટલાક તોફાની લોકોએ પથ્થરમારો કરતા દોડધામ મચી ગઈ હતી. તેમાં કેટલાક પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસના ધાડેધાડા ઉતારી દેવાતા મામલો થાળે પડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ નાગરિક સંશોધન બિલને લઈને ગુરૂવારે અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે આ કાળા કાયદાના વિરૂદ્ધમાં શહેરના શાહેઆલમ વિસ્તારમાં સાંજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જોડાવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા ત્યારે બંધોબસ્ત માટે ગોઠવાયેલી પોલીસે ટોળાને વિખેરવા માટે પ્રયાસ કર્યો પરંતુ ટોળું વિખેરાયું નહીં એટલે પોલીસે લોકોની અટકાયત કરવાની શરૂઆત કરી હતી. જેને પગલે ટોળું ઉશ્કેરાઈ ગયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો તેમજ પોલીસના વાહનો ઉપર પથ્થરમારો કરતા તેના કાચ તૂટી ગયા હતા. તેમજ આ ઘર્ષણમાં ડીસીપી બિપીન આહિર અને એસીપી આર.બી.રાણા સહિત ૧રથી વધુ પોલીસકર્મીઓ અને બે મીડિયાકર્મીઓને ઈજા થઈ હતી. જો કે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ૧૦થી વધુ ટીયરગેસના શેલ છોડ્યા હતા. ત્યારબાદ ટોળું વિખેરાઈ ગયું હતું. તેમ છતાં મામલો થાળે પડ્યો ન હતો. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ઝોન-૪ અને ઝોન-૬ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એક તબક્કે રસ્તો પણ બંધ થઈ ગયો હતો. પરંતુ પોલીસે મોડે સુધી ફૂટ પેટ્રોલીંગ કરીને મામલે થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. દરમ્યાન કેટલાક સ્થાનિક આગેવાનોએ પણ બહાર આવીને લોકોના ટોળાને વિખેરવા અને મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. એક તબક્કે ડીસીપી બિપીન આહિરને પણ સમગ્ર ઘટનામાં ઈજા થઈ હતી. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસના ધાડેધાડા શાહેઆલમ વિસ્તારમાં ઊતારી દેવામાં આવ્યા હતા. જો કે સ્થિતિ વણસે નહીં તે માટે સેકટર-ર જેસીપી નિર્પૂણા તોરવણે, ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ સીપી અજય તોમર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેમજ કેટલાક સ્થાનિક આગેવાનોએ પણ પોલીસને મામલો થાળે પાડવાની અને પરિસ્થિતિ શાંત રાખવાની દિશામાં સાથ સહકાર આપ્યો હતો.
જો કે થોડા સમય બાદ પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈને વાહન વ્યવહાર ફરી શરૂ કરાવી દીધો હતો. આમ સમગ્ર દિવસ દરમ્યાન બંધના એલાનને પગલે શાહેઆલમ વિસ્તાર સૂમસામ હતો. પરંતુ સાંજે નાગરિક સંશોધન બિલના વિરોધમાં પ્રદર્શનોને લઈને ભેગા થયેલા ટોળાને પોલીસે વિખેરવાનો પ્રયાસ કરતા મામલો બિચકયો હતો. જેને ગંભીર સ્વરૂપ ધારણ ટોળામાં રહેલા કેટલાક તોફાનીઓએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. ત્યારે પોલીસે પણ લાઠીચાર્જ કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર બનાવને પગલે પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. જો કે પથ્થરમારાના બનાવને પગલે હવે પોલીસ સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે તોફાની તત્ત્વોની ઓળખ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.
Recent Comments