(એજન્સી) લખનૌ, તા.૩૦
ઉત્તરપ્રદેશના બિજનૌર જિલ્લામાં આવેલા નાજીબાબાદ પોલીસ સ્ટેશનના પરિસરમાં મંગળવારે દહેરાદૂનની રર વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. સોની રાની નામની આ યુવતીનો મૃતદેહ મહિલા કોન્સ્ટેબલના ક્વાટરમાંથી મળી આવ્યો હતો. સોમવારે નાજીમાબાદ રેલવે સ્ટેશન પરથી સોની રાની અને તેના મિત્ર મો. જાવેદ બંને પકડાયા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશન દ્વારા તે બંનેને હિરાસતમાં લેવામાં આવ્યા હતા. આ બંને શનિવારે દહેરાદૂનથી ભાગી ગયા હતા. મંગળવારે જાવેદની ધરપકડ કરવામાં આવી છે અને તેની વિરૂદ્ધ આત્મહત્યા કરવા ઉશ્કેરણી કરવી તેમજ લગ્ન કરવા માટે દબાણ કરવા સહિતના ગુનાઓ નોંધવામાં આવ્યા છે જ્યારે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બિજનૌર મોકલવામાં આવ્યો છે.
પોલીસ હિરાસતમાં આત્મહત્યા કરનારી સોની પાસેથી દોઢ લાખ રૂપિયા પણ મળ્યા છે. આટલા પૈસા યુવતી પાસે ક્યાંથી આવ્યા તેનો જવાબ કોઈની પાસે નથી. આ બાબતે જ્યારે પોલીસે આરોપી યુવકની પૂછપરછ કરી તો તેણે પણ પૈસા વિશે કોઈ જાણકારી હોવાનો ઈન્કાર કરી દીધો. યુવતીના પરિજનોના જણાવ્યા અનુસાર, તેણીની ઘરેથી એક જોડી કપડાં પણ નથી લઈ ગઈ, તો તેની પાસે આટલી મોટી રકમ હોવાનો કોઈ પણ પ્રશ્ન જ ઊભો થતો નથી. એવામાં પોલીસની શંકાની સોય કેટલાક શંકાસ્પદો પર અટકી રહી છે કે, જેમણે આ યુગલને દહેરાદૂનથી ફરાર થવામાં મદદ કરી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.