(સંવાદદાતા દ્વારા)
દાહોદ, તા.૧ર
ફતેપુરા તાલુકાના સુખસર હદ વિસ્તારમાં હત્યા કરી લાશને કૂવામાં નાખવાના બનાવો બની રહ્યા છે.વર્ષ ૨૦૧૧ હાલ સુધીમાં ૪૮ જેટલી લાશો કુવાઓ માથી તેમજ બિનવારસી હાલતમાં મળી આવેલ છે. જેમાં વધુ એક બનાવ ગત રોજ સાડા ચાર વાગ્યાના અરસામાં એક ૨૩ વર્ષીય યુવાનને ગળુ દબાવી,મોત નિપજાવી કૂવામાં નાખી દેવામાં આવેલ હોવાનું બહાર આવવા પામ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ડામોર ફળિયા ખાતે રહેતા નાનાબોરીદા માજી સરપંચ અને હાલ ખેતીવાડી સાથે સંકળાયેલા વિકલા લાલાભાઈ ડામોરનો ત્રીજા નંબરનો પુત્ર નામે કલ્પેશ વિકલાભાઇ ડામોર (ઉ.વ.૨૩) ગતરોજ સાડા ચારેક વાગ્યાના અરસામાં પોતાના મિત્રો સાથે ભેગો હતો. દરમિયાન તેના ઘરથી પૂર્વ તરફથી દોડો કોઈ કૂવામાં પડી ગયેલ છે. તેવી બૂમ સંભળાતા તેની સાથે સાથે મણીબેન ડામોરના એ બૂમ પાડી કે કોઈ છોકરો કુવામાં પડી ગયો છે.તેમ જણાવતા વિકલાભાઈ તથા તેમના પત્ની સમુડીબેન તેમજ ફળિયાના અન્ય લોકો કૂવા તરફ જતા મૃતક કલ્પેશના બે મિત્રો હાજર હતા. જ્યારે કૂવામાં શોધખોળ કરતા કલ્પેશભાઈ ડામોર બેભાન હાલતમાં મળી આવેલો હતો અને તબીબે કલ્પેશભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતકના પિતાએ સુખસર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાહેરાત આપવામાં આવી હતી. ત્યાર બાદ આજરોજ સુખસર સરકારી દવાખાનામાં લાશનું પી.એમ કરવામાં આવ્યું હતું.જેમાં ગળું દબાવી હત્યા કરી લાશને કૂવામાં નાખવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. બીજીબાજુ આક્ષેપો-પ્રતિઆક્ષેપો સાથે આજ રોજ મૃતકના વિફરેલા સ્વજનોએ પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કર્યો હતો.જેથી પોલીસ જવાનોને પોતાની સલામતી ખાતર પોલીસ સ્ટેશનની અંદર ઘુસી જવું પડ્યું હતું.ત્યારબાદ પોલીસ દ્વારા ટોળા ઉપર હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.ગરમાયેલ માહોલ જોઈ આસપાસના સ્થાનિકોએ પણ દુકાનો બંધ કરી દીધી હતી. ત્યારબાદ સ્થિતિમાં કાબુ આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.