(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૯
સાબરકાંઠા કડવા પાટીદાર સમાજના વિપુલ બળદેવભાઈ પટેલના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાના વ્યવહાર કરનાર લેભાગુ ગુનેગારોને બચાવવા અઠવા પોલીસે તપાસમાં ઢીલાશ કરાવી હોવાના આક્ષેપ સાથે કડવા પાટીદાર સમાજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સમાજના વિપુલ બળદેવભાઈ પટેલ સાથે અન્યાય થયેલ છે અને કેટલાક લેભાગુ લોકોએ તેમના નામનો દુરૂપયોગ કરી તેમના નામે બોગસ બેન્ક ખાતાઓ ખોલાવી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરેલ છે. આમ કરી સામાજિક રીતે ગુનાહિત કૃત્યો આવા લોકોએ આચરેલ છે. સાથો સાથ સરકારને પણ લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડેલ છે. સમાજના વિપુલ બળદેવભાઈ પટેલના નામેઅજાણ્યા ઈસમોએ બોગસ દસ્તાવેજા ઊભા કરેલા જે હકીકતની જાણ વિપુલભાઈને થતા તેઓએ પોલીસ કમિશનર એક અરજી આપેલ જેના અનુસંધાને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુ.ર. નં. ફસ્ટ ૧૧૮/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) તથા આર.ટી.એકટની કલમ ૬૬ (ડી) મુજબ ફરિયાદ નોંધવામાં આવેલ છે. સદરહુ ફરિયાદ નોંધાયા બાદ સદરહુ ગુનામાં સંડોવાયેલ એક આરોપી નામે ચેતનભાઈ શાહએ સેશન્સ કોર્ટમાં ૪૭૨૯/૨૦૧૮થી આગોતરા જામીન અરજી દાખલ કરેલ જે આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરેલ છે.ઉપરોકત ગુનામાં કેટલાક મોટા માથાઓ સંડોવાયેલા છે, પરંતુ તેઓને બચાવવા સારૂ લાંબા સમયથી કોઈ યોગ્ય દિશામાં તપાસ થઈ રહેલ નથી અને મોટા માથાઓને બચાવવાના પ્રયત્નો ચાલી રહેલ છે. અને અમારા સમાજના વિપુલભાઈને હાલ સુધી યોગ્ય ન્યાય મળેલ નથી. આવા સંજાગોમાં અમારા સમાજના વડીલ તેમજ અન્ય સભ્યોએ ભેગા મળી ચર્ચા-વિચારણા કરી આ આવેદનપત્ર આપને આપી આ આવેદનપત્રથી આપને વિનંતી કરવામાં આવે છે સદરહુ ગુનામાં યોગ્ય માર્ગદર્શન આપી લાગતા વળગતા ગુનેગારોને આપ યોગ્ય નસિયત કરશો અને વિપુલભાઈને યોગ્ય ન્યાય અપાવશો એવી વિનંતી હતી.